દે.બારીઆ નગરમાં રક્ષાબંધનના તહેવાર પુર્વે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ પાલિકા તંત્રએ પાણીપુરીની લારીઓ સહિત ડેરીઓ તેમજ નાસ્તાની દુકાનોમાં સંયુકત તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ અલગ ૩૫ થી ૪૦ જેટલી દુકાનોની તપાસમાં કેટલાક વેપારી સામે દંડાત્મક કાર્યવાહી કરી .૭,૫૦૦ નો દંડ વસુલાત કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ નગરમાં કેટલાક વેપારીઓ દ્વારા આરોગ્યને નુકસાન થાય તેવા પ્રકારના ખાદ્ય પદાર્થો વેનિક હોવાની બુમો ઉઠવા પામી હતી. ત્યારે તંત્ર સફાળુ જાગ્યુ હોય તેમ રક્ષાબંધનના તહેવાર પુર્વે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ પાલિકાની ટીમ મળી નગરમાં સંયુકત ઓપરેશન હાથ ધરી નગરમાં બિલાડીની ટોપ સમાન ખુલેલી ડેરીઓમાં તેમજ પાણીપુરીની લારીઓ તેમજ નાસ્તાની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલીક ડેરીમાં આરોગ્ય જોખમાય તેવા પનીર તેમજ પેંડાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તો કયાંક પાણીપુરીની લારીઓમાં કલરવાળી ચટણી તેમજ નાસ્તાની દુકાને ઈંકવાળા પેપરમાં નાસ્તો અપાતો જોવા મળતા પેપરનો નાશ કરાયો હતો. તેની સાથે સાથે ઓઈલ ટેસ્ટિંગ મશીન દ્વારા તેલની ગુણવત્તા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અયોગ્ય તેલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે સફાળા જાગેલા આ તંત્રએ નગરમાં અલગ અલગ ૩૫ થી ૪૦ જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરી ૭,૫૦૦ નો દંડ ફટકારી કેટલીક દુકાનોને નોટિસ પણ આપી હતી.