છોટાઉદેપુરમાં પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા રૂ.૯૮ કરોડના વિકાસના કામોના ઉહાપોહ બાદ સાતેય તાલુકાઓને સરખો ન્યાય મળવાની આશા

છોટાઉદેપુર જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા રૂ.૯૮ કરોડના વિકાસ કામોના કરાયેલા આયોજનને લઈને વિવાદ સર્જાયો છે. જિલ્લાના સાતેય તાલુકાના તાલુકા ૫્રમુખો તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખે પ્રભારી મંત્રી સમક્ષ રજુઆત કરી હતી કે, વિકાસના કામોના આયોજનમાં તમામ તાલુકાને સમાન ન્યાય આપવામાં આવે અને ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સુચવાયેલા પ્રજાલક્ષી કામોનો સમાવેશ કરવામાં આવે.

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી, બોડેલી, કવાંટ, સંખેડા, છોટાઉદેપુર, પાવીજેતપુર અને કદવાલ સહિત ૭ તાલુકા આવેલા છે. જિલ્લામાં મોટી આદિવાસી વસ્તી વસવાટ કરે છે. આદિવાસી વિસ્તારોના વિકાસ માટે રાજય સરકાર દ્વારા દર વર્ષે પ્રાયોજના વહીવટદાર કચેરી મારફતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ વિકાસના વિવિધ કામો માટે અંદાજે રૂ.૯૮ કરોડની ગ્રાન્ટનુ આયોજન કરવામાં આવ્યુ છે. જોકે આ આયોજનમાં તાલુકા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો તથા ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સુચવાયેલા કેટલાક વિકાસ કામોને પડતા મુકવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે વિરોધ શરૂ થયો હતો. પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા કરવામાં આવેલા આયોજનમાં અધિકારીઓએ મનસ્વી રીતે નિર્ણય લીધો હોવાના આક્ષેપો પણ કરાયા હતા. આ મામલે સાતેય તાલુકાના પ્રમુખો અને જિલ્લા પંચાયતના પ્રમુખે છોટાઉદેપુર ખાતે પ્રભારી મંત્રી સમક્ષ રજુઆત કરી હતી. રજુઆત બાદ પ્રભારી મંત્રીએ અધિકારીઓને ચુંટાયેલા પ્રતિનિધિઓને વિશ્ર્વાસમાં લઈને રૂ.૯૮ કરોડના વિકાસ કામોનુ આયોજન નવેસરથી કરવા તેમજ સાતેય તાલુકાને સરખો ન્યાય મળે તે રીતે કામોની પસંદગી કરવા સુચના આપી હોવાની જાણવા મળ્યુ છે.