-નવ વર્ષથી પેન્શન વધારાની લડત છતાં પરિણામ શૂન્ય; ૨૦૧૪ અને ૨૦૨૨ના હુકમો તથા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં.
નિવૃત્ત એસ.ટી. કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને લઈને ગુજરાત મજૂર યુનિયન મહેસાણાના સા.મંત્રી વિનયચંદ્ર.એમ.સાઘુની ઉપસ્થિતિમાં શિક્ષક સોસાયટીના હોલ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નિવૃત્ત એસ.ટી. પેન્શનરોની આર્થિક મુશ્કેલીઓ અને પેન્શન વધારાની માંગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
નિવૃત્ત કર્મચારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા નવ વર્ષથી પેન્શન વધારાની લડત ચલાવવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. વર્ષ ૨૦૧૪માં પેન્શન વધારા અંગે હુકમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વર્ષ ૨૦૨૨માં પણ હુકમ કરવામાં આવ્યો હોવા છતાં, તેનો પૂરતો લાભ નિવૃત્ત એસ.ટી. કર્મચારીઓને મળ્યો નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં પેન્શનરોમાં નારાજગી જોવા મળી રહી છે.
નિવૃત્ત કર્મચારીઓનું કહેવું છે કે હાલમાં અનેક નિવૃત્ત એસ.ટી. કર્મચારીઓને માત્ર રૂ. ૧૦૦૦થી રૂ. ૧૫૦૦ જેટલું પેન્શન ચૂકવવામાં આવે છે. આજના સમયમાં જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આટલી ઓછી રકમમાં ઘરનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.
મોંઘવારીના સતત વધતા માર વચ્ચે દવાઓ, વીજળી, ખોરાક, રહેઠાણ સહિતની રોજિંદી જરૂરિયાતોનો ખર્ચ વધતો જાય છે. પરિણામે અનેક નિવૃત્ત કર્મચારીઓ માટે પોતાનું જીવન ચલાવવું તો દૂર, પરિવારની જવાબદારી નિભાવવી પણ મુશ્કેલ બની રહી છે. વર્ષો સુધી ગુજરાત એસ.ટી. વિભાગમાં ફરજ બજાવી મુસાફરોની સેવા કરનાર કર્મચારીઓ નિવૃત્તિ બાદ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે.
નિવૃત્ત પેન્શનરોનું કહેવું છે કે સરકારી કર્મચારીઓને મોંઘવારીને ધ્યાનમાં રાખીને સમયાંતરે વિવિધ પેન્શન તથા મોંઘવારી રાહતના લાભો આપવામાં આવે છે, ત્યારે ગુજરાત એસ.ટી. કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીઓને પણ યોગ્ય પેન્શન અને મોંઘવારી રાહતનો લાભ મળવો જોઈએ.
“વર્ષો સુધી સેવા આપી, હવે નિવૃત્તિ પછી મળતું નજીવું પેન્શન પણ જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ છે. આર્થિક પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે. સરકાર અમારી પરિસ્થિતિને સમજી વહેલી તકે પેન્શનમાં યોગ્ય વધારો કરે” તેવી લાગણી નિવૃત્ત કર્મચારીઓએ વ્યક્ત કરી હતી.
નિવૃત્ત એસ.ટી. કર્મચારીઓએ સરકાર સમક્ષ માંગ કરી છે કે તેમના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો માનવતાના ધોરણે વિચાર કરી પેન્શનમાં યોગ્ય વધારો તથા મોંઘવારી રાહતનો લાભ આપવામાં આવે, જેથી જીવનના અંતિમ પડાવમાં તેઓ સ્વાભિમાનપૂર્વક જીવન જીવી શકે. સરકાર આ પ્રશ્ને તાત્કાલિક હકારાત્મક નિર્ણય લે તેવી નિવૃત્ત કર્મચારીઓમાં આશા વ્યક્ત કરવામાં આવી છે.