
૯૩૮ જેટલા વિવિધ વિકાસકાર્યો માટે કુલ રૂ. ૩૧ કરોડ જેટલાં રકમની ફાળવણીને મંજૂરી આપતા પ્રભારી મંત્રીશ્રી
પંચમહાલ,શનિવાર:: પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની વર્ષ ૨૦૨૬-૨૭ની બેઠક મળી હતી.
આ બેઠકમાં ગુજરાત પેટર્ન ૯૬% (પ્રાયોજના વિસ્તાર)ની જોગવાઈ અનુસાર રૂા. ૨૬૩૪.૯૬ લાખનું આયોજન મંજુર કરવામાં આવ્યુ. તથા ગુજરાત પેટર્ન ૪ % (છુટાછવાયા વિસ્તાર)ની જોગવાઈ રૂ.૪૭૩.૬૬ લાખ એમ કુલ રૂ.૩૧૦૮.૬૨ લાખનું આદિજાતિ વિકાસ મંડળ આયોજનનું સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતું.

આ બેઠકમાં પ્રભારીમંત્રી શ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસના કામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. જેને અનુસંધાને પદાધિકારી-અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું ખૂબ જ જરૂરી છે.
વધુમાં, તમામ કામો સમયમર્યાદામાં અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે તે જરૂરી છે. આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેફ્ટ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સાથે બેઠકના છેલ્લા વર્ષના બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આ સાથે ચોમાસાની ઋતુ પૂર્ણ થયે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંજૂર થયેલા કામોને ઝડપથી હાથ ધરી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તાકીદ કરી હતી. તેમણે જિલ્લામાં પ્રજાલક્ષી કાર્યોને મહત્તમ રીતે આવરી લેવાની સાથે સામૂહિક વિકાસના કામોને અગ્રતા આપવાની હિમાયત કરી હતી. આ સાથે જ મંત્રીશ્રીએ પ્રગતિ હેઠળના તમામ કાર્યોને ઝડપભેર પૂર્ણ કરવાની તાકીદ પણ કરી હતી.

નોંધનીય છે કે, વિવિધ તાલુકા માટે ફાળવેલી રકમથી રોડ, પેવર બ્લોક, પાણીની સુવિધા, કમ્પાઉન્ડ વોલ, શૌચાલય, ગટર અને વીજળી સહિતના અનેક કામો થકી પ્રજાસુખાકારીને સુનિશ્ચિત કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ,ધારાસભ્ય સર્વે શ્રી સી કે રાઉલજી, શ્રી ફતેસિંહ ચૌહાણ,શ્રીમતી નિમિષા સુથાર,જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવવિજય વર્ગીય,પ્રાયોજના વહીવટદારશ્રી પટેલ,નિવાસી અધિક કલેકટર શ્રી જે જે પટેલ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ચાલુ વર્ષના વાર્ષિક આયોજનમાં આદિજાતિ વિભાગના નિયમોનુસાર સૌથી વધુ ૨૨.૯૦% રકમ પછાત વર્ગ કલ્યાણ માટે ખર્ચાશે, જ્યારે રસ્તા અને પુલોના માટે ૧૩.૫૦%, નાની સિંચાઈ યોજનાઓ માટે ૧૨.૧૪%, સામાન્ય શિક્ષણ સુવિધાઓ માટે ૧૧.૧૨% તેમજ પાક અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ૧૦.૧૬% જોગવાઈ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત તબીબી સેવાઓ (૭.૩૩%), ગ્રામ વિકાસ (૬.૮૬%) અને પોષણ તથા મધ્યાહન ભોજન જેવી પાયાની જરૂરિયાતો માટે પણ વિશેષ બજેટ ફાળવીને તમામ ક્ષેત્રોને આવરી લેવાયા છે.
જિલ્લાના (૭) સાત તાલુકાઓ તરફથી મળેલ સ્થાનિક દરખાસ્તોના આધારે કુલ ૯૩૮ જેટલા મજબૂત માળખાકીય વિકાસ કામોને મંજૂરી મળી છે, જેમાં ૯૫ આદિજાતિ ગામો ધરાવતો ઘોઘંબા તાલુકો ૨૫૩ કામો માટે સૌથી વધુ રૂ.૮૧૧.૯૬ લાખના બજેટ સાથે સમગ્ર જિલ્લામાં મોખરે રહ્યો છે. અન્ય તાલુકાવાર આયોજનની રૂપરેખા જોઈએ તો ગોધરા તાલુકા માટે રૂ. ૩૭૨.૫૪ લાખના ૧૬૯ કામો (જેમાં ૪% વિસ્તારના ૫૬ કામો શામેલ છે), કાલોલ તાલુકા માટે રૂ.૧૨૩.૬૧ લાખના ૯૦ કામો, હાલોલ માટે રૂ.૪૮૪.૮૦ લાખના ૧૧૯ કામો, ૧૩૦% થી વધુ આયોજન લક્ષ્યાંક ધરાવતા નાના જાંબુઘોડા તાલુકા માટે રૂ.૧૧૧.૮૦ લાખના ૪૦ કામો, શહેરા તાલુકા માટે રૂ.૨૩૨.૦૯ લાખના ૧૦૯ કામો તેમજ મોરવા (હડફ) તાલુકા માટે રૂ.૬૧૧.૨૫ લાખના ૨૧૧ કામોનું આયોજન હાથ ધરાયું છે.