બિપરજોયના કારણે ગુજરાતના ઉદ્યોગોમાં અંદાજે ૫,૦૦૦ કરોડના વ્યવહારો અટકશે

અમદાવાદ, ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ છે અને તેની અસરથી રાજ્યના ઉદ્યોગો પણ બાકાત નથી. ચાલુ સપ્તાહની શરૂઆતથી જ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ઉદ્યોગોને બંધ કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગ જગતના લોકોના જણાવ્યા પ્રમાણે શિરીઝ, સોલ્ટ, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક તેમજ પોર્ટ જેવા ઉદ્યોગોને સૌથી વધુ અસર થઈ છે. ઇન્ડસ્ટ્રીના અનુમાન મુજબ બિપરજોયના કારણે અંદાજે રૂ.૪,૦૦૦-૫,૦૦૦ કરોડના વ્યવહારો અટકી પડશે.

ગુજરાત ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ધંધા બંધ કરવા પડયા છે. લગભગ છેલ્લા ત્રણ-ચાર દિવસથી બધુ બંધ જેવી હાલતમાં છે જેના કારણે રોજિંદા વ્યવહારો અટકી પડયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ કરોડોના ટ્રાન્ઝેક્શન બંધ છે. વાવાઝોડું પસાર થઈ જાય પછી જ સાચી નુક્સાની ખબર પડશે. હાલની સ્થિતિએ રોજનો જે રૂ. ૪૦૦-૫૦૦ કરોડનો બિઝનેસ થતો હતો તે અટકી પડયો છે.

પટવારીએ કહ્યું કે, ચોમાસું નજીક આવે એટલે ફિશિંગ ઉદ્યોગમાં કોલ્ડ સ્ટોરેજમાં માલ વધુ રાખવામાં આવે છે. વાવાઝોડાના કારણે પાવર કટ થાય તો આ માલ બગડી જવાનો ભય છે. આ સ્થિતિમાં હોસ્પિટલ્સ, આશ્રય સ્થાનોને વીજ પુરવઠો આપ્યા બાદ, વેરાવળ વિસ્તારના કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગોનો પાવર પ્રાયોરિટી ધોરણે ચાલુ કરી આપવા અમે સરકારને પણ લખ્યું છે જેથી શક્ય એટલી ઓછી નુક્સાની થાય.

ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે કહ્યું કે, સાઈક્લોનના કારણે કચ્છમાં મેજર પોર્ટ કંડલા અને મુંદ્રા છેલ્લા ૩ દિવસથી બંધ છે. કંડલામાં જ રોજના ૧૫-૨૦ દરે અને લિક્વિડ કાર્ગો જહાજ આવતા હોય છે. પોર્ટ્સ બંધ હોવાથી ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ ઠપ્પ છે. આના કારણે પોર્ટ અને તેને સંલગ્ન ઉદ્યોગો પણ બંધ છે. આ વિસ્તારમાં જ દૈનિક રૂ. ૨૦૦-૨૫૦ કરોડના વ્યવહારો અટકી પડયા છે. અમારા અંદાજ મુજબ આ સ્થિતિમાં રૂ. ૨૦૦૦ કરોડ આસપાસ નુક્સાની થવાની સંભાવના છે.