ચોમાસાની ઋતુ ધરતીને નવજીવન આપે છે અને પ્રકૃતિ ખીલી ઉઠે છે, પરંતુ આ જ ઋતુ જાહેર આરોગ્ય માટે અનેક નવા પડકારો પણ લઈને આવે છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સતત આગોતરા પગલાં લેવામાં આવતા હોય છે, ત્યારે નાગરિકોની પોતાની જાગૃતિ પણ એટલી જ અનિવાર્ય બની જાય છે. સાંપ્રત સમયમાં ‘મેદસ્વિતા’ (Obesity) એ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બનીને ઉભરી છે. મેદસ્વિતા એ માત્ર શારીરિક દેખાવ પૂરતો સીમિત વિષય નથી, પરંતુ તે ચોમાસામાં ફેલાતા ચેપી રોગો સાથે સીધો અને ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. તબીબી નિષ્ણાતોના મતે, વધુ પડતું વજન અને શરીરમાં જમા થયેલી અનાવશ્યક ચરબી વ્યક્તિની આંતરિક રોગપ્રતિકારક શક્તિ (Immunity) ને અત્યંત નબળી પાડી દે છે.
જ્યારે ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ કે કમળાનો ઉપદ્રવ વધે છે, ત્યારે વાયરસ અને બેક્ટેરિયા સૌથી પહેલાં નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા શરીરને પોતાનો શિકાર બનાવે છે. મેદસ્વી વ્યક્તિઓના શરીરમાં મેટાબોલિઝમ ધીમું હોવાથી શ્ર્વેતકણોની રોગ સામે લડવાની કાર્યક્ષમતા ઘટી જાય છે. પરિણામે, સામાન્ય વજન ધરાવતી વ્યક્તિની સરખામણીમાં મેદસ્વિતા ધરાવતી વ્યક્તિ પર ચોમાસાના રોગચાળાની અસર વધુ ગંભીર જોવા મળે છે અને તેમને સાજા થવામાં (Recovery) પણ ઘણો વધુ સમય લાગે છે. આ ઉપરાંત, વજન વધુ હોવાથી શ્ર્વસનતંત્ર અને હૃદય પર પહેલેથી જ દબાણ હોય છે, જે બીમારીના સમયે જોખમી સાબિત થઈ શકે છે.
આ પરિસ્થિતિમાં, રાજ્ય સરકારનું ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન એક બહુઆયામી રક્ષણાત્મક પગલું બની રહે છે. આ અભિયાનનો મૂળ ઉદ્દેશ માત્ર નાગરિકોનું વજન ઘટાડવાનો નથી, પરંતુ તેમને મોસમી બીમારીઓ અને રોગચાળા સામે શારીરિક રીતે સક્ષમ બનાવવાનો છે. ચોમાસામાં શારીરિક સક્રિયતા ઓછી થઈ જતી હોય છે અને ખાણીપીણીમાં પણ તળેલો કે ભારે ખોરાક લેવાનું ચલણ વધે છે. એક જાગૃત નાગરિક તરીકે આપણે આ આદતોમાં બદલાવ લાવવો જરી છે.
આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, ચોમાસાના દિવસોમાં પોષણક્ષમ, સુપાચ્ય અને પ્રાકૃતિક આહારને પ્રાધાન્ય આપીએ. વરસાદને કારણે બહાર જવાનું શક્ય ન હોય તો ઘરમાં જ યોગ, પ્રાણાયામ કે હળવી કસરતો કરી શરીરને સક્રિય રાખીએ. વજન નિયંત્રણમાં રહેશે તો રોગપ્રતિકારક શક્તિ આપોઆપ મજબૂત બનશે અને ચોમાસાનો રોગચાળો આપણાથી દૂર રહેશે. “પહેલું સુખ તે જાતે નર્યા એ ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરી, આપણે સૌ સ્વસ્થ રહીએ અને ‘મેદસ્વિતા મુક્ત અને તંદુરસ્ત ગુજરાત’ના નિર્માણમાં આપણું યોગદાન આપીએ.