સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓએ શ્રીમતિ એમ.બી.જૈન અંધજન વિદ્યાલયની મુલાકાત લીધી: સેવાભાવ અને સામાજીક જવાબદારીના પાઠ શીખ્યા

ઇન્ડક્શન પ્રોગ્રામ અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી પ્રેરણા મેળવી.

સરકારી ઇજનેરી કોલેજ,દાહોદ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આયોજીત ઇન્ડક્શન પ્રોગ્રામના ભાગ‚પે એક પ્રેરણાદાયી સામાજીક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના નવપ્રવેશિત વિદ્યાર્થીઓએ છાપરી સ્થિત શ્રીમતિ એમ.બી.જૈન અંધજન વિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ વિદ્યાર્થીઓમાં સામાજીક જવાબદારી, માનવતા, સેવાભાવ તથા દિવ્યાંગજનો પ્રત્યે સંવેદનશીલતાની ભાવના કેળવવાનો હતો.

મુલાકાત દરમિયાન વિદ્યાલયના સંચાલકો દ્વારા સંસ્થાની સ્થાપના અને તેના ઉદ્દેશ્યો વિશે વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો હતો. તેમણે દૃષ્ટિબાધિત વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણ, વિશેષ બ્રેઇલ પદ્ધતિ, નિવાસ-ભોજનની સુવિધાઓ તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી કોલેજના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ વિદ્યાલયના દષ્ટિબાધિત બાળકો સાથે ખૂબ જ આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. અંધજન વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં રહેલી અદભુત પ્રતિભા, ગજબનો આત્મવિશ્ર્વાસ અને જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ જોઈને ઇજનેરીના વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને જીવનમાં ક્યારેય હિંમત ન હારવાની પ્રેરણા મેળવી હતી.

આ સામાજીક મુલાકાતમાં સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના પ્રથમ વર્ષના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મુલાકાતના અંતે સૌએ વિદ્યાલયની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ સમાજના દરેક વર્ગ પ્રત્યે સંવેદનશીલતા રાખવા તેમજ સેવાભાવ જાળવી રાખવાનો સંકલ્પ કર્યો હતો. કોલેજ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ પ્રકારની શૈક્ષણિક અને સામાજીક મુલાકાતો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય નિર્માણ અને સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.