કાલોલ નગરપાલિકાની નબળી કામગીરીનો ઉત્તમ નમુનો : અર્બન હેલ્થ સેન્ટર પાસે વધુ એક ટ્રક રોડમાં ખૂપી ગઈ, લોકોમાં ભારે રોષ

કાલોલ નગરપાલિકા વિસ્તારમાં ભ્રષ્ટાચાર અને લોલમલોલ કામગીરીના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરમાં બિસ્માર રસ્તાઓ અને તકલાદી કામોને કારણે અવારનવાર નાના-મોટા વાહનો રોડમાં ખૂપી જવાના બનાવો બની રહ્યા છે, જેમાં આજે વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. આજે વહેલી સવારે મધ્યપ્રદેશ (ખઙ) પાસિંગની એક ટ્રક કાલોલ નગરમાં પ્રવેશ કરી રહી હતી, તે દરમિયાન અર્બન હેલ્થ સેન્ટર નજીક અચાનક રોડ બેસી જતાં ટ્રકનું પાછળનું વ્હીલ બોડી સહિત રોડની અંદર ખૂપી ગયું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પાલિકા તંત્રની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

કાલોલમાં તકલાદી કામોને કારણે વાહનો ફસાવાનો આ કોઈ પહેલો બનાવ નથી. તાજેતરમાં જ પટેલ ફળિયા પાસે એક ટ્રક ગટરના તકલાદી નાળામાં ઉતરી ગઈ હતી. શેઠ ફળિયા પાસે: ઈંટો ભરેલા ટ્રેક્ટરનું વ્હીલ પણ રોડમાં ધસી ગયું હતું.સ્થાનિકોમાં ચાલતી ચર્ચાઓ મુજબ, પાલિકા તંત્રમાં ચાલતી મિલીભગત, ભાગબટાઈની નીતિ અને આંતરિક જૂથવાદના કારણે વિકાસ કામોની ગુણવત્તા સાવ કથળી ગઈ છે, જેનું નુકસાન નિર્દોષ નગરજનો ભોગવી રહ્યા છે.

લોકમુખે ચર્ચાતી વિગત મુજબ, ચૂંટણી સમયે ધર્મ, જ્ઞાતિ અને સમાજના નામે રાજનીતિ રમાય છે, જેના વશ થઈને પ્રજા આંખો મીંચીને સત્તાધારી પક્ષને મત આપી દે છે. પરંતુ જીત્યા પછીના ૫ વર્ષ સુધી સત્તાધીશો પ્રજાની અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી. નવાઈની વાત એ છે કે પ્રજા આગલી ટર્મની હાલાકી ભૂલીને ફરી એ જ લોકોને સત્તા સોંપે છે, જેથી સ્થિતિ જસની તસ રહે છે.

ચોમાસામાં જોખમી બન્યા માર્ગો…

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે કાલોલના બિસ્માર રસ્તાઓ પરથી પસાર થવું જીવનું જોખમ ખેડવા બરાબર બની ગયું છે. નગરમાં ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. નવાઈની વાત તો એ છે કે, પ્રજાના ટેક્સના પૈસે ચાલતા પાલિકા તંત્ર પાસે આ જોખમી ખાડાઓ પુરવાનો પણ સમય નથી, જેને લઈને જનતામાં સત્તાધીશો સામે તીવ્ર નારાજગી વ્યાપી છે.