
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગરબાડા તાલુકામાં રાજકીય પારો સાતમા આસમાને પહોંચ્યો છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને હવે જંગનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ગરબાડામાં આ વખતે એક પણ બેઠક બિનહરીફ ન થતા હવે સીધો મુકાબલો જોવા મળશે.
ગરબાડા તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકો પર નસીબ અજમાવવા માટે ૮૧ ઉમેદવારો મેદાનમાં છે. બિનહરીફ કરાવવાના તમામ રાજકીય દાવપેચ નિષ્ફળ રહ્યા છે, જેના કારણે હવે દરેક બેઠક પર ભારે રસાકસી જોવા મળશે.
તાલુકાની સાથે જિલ્લા પંચાયતની ૫ બેઠકો પર પણ ચિત્ર સ્પષ્ટ થયું છે. અહીં કુલ ૧૮ ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. મતદારો કોના પર કળશ ઢોળશે તે જોવું રસપ્રદ રહેશે.
ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ગરબાડાના રાજકારણમાં હલચલ જોવા મળી હતી. કુલ ૪ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, જેમાં ૧ કોંગ્રેસના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. અન્ય ૩ અપક્ષ કે અન્ય દાવેદારોએ મેદાન છોડતા હવે મુખ્ય પક્ષો વચ્ચે સીધી ફાઈટ જામશે.