દેશનો દરેક નાગરિક શિક્ષિત અને જાગૃત બનશે, ત્યારે જ સાચો બદલાવ આવશે,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાલ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આયોજિત ‘સામાજિક સમરસતા મહોત્સવ’ માં વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાષ્ટ્રપતિનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ગુજરાતની ધરતી પર આગમન એ અમારા માટે ગૌરવની ક્ષણ છે. તેમનું જીવન સંઘર્ષ અને સફળતાની એવી મિશાલ છે જે મારા જેવા લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત હંમેશા ભાગ્યશાળી રહ્યું છે કે તેને રાષ્ટ્રપતિશ્રીનું માર્ગદર્શન મળતું રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સામાજિક સમરસતાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, ડા. બાબાસાહેબ આંબેડકર જે સંદેશ આપ્યો હતો તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દાયકામાં સાચા અર્થમાં સાકાર કરવામાં આવ્યો છે. તેમણે રાષ્ટ્રપતિના વ્યક્તિત્વ વિશે વાત કરતા જણાવ્યું કે, “સેવા અને સમર્પણના માર્ગે ચાલીને તેમણે દેશનું સર્વોચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે, જે સાબિત કરે છે કે લોકશાહીમાં પ્રતિભાને કોઈ સીમાડા નડતા નથી.”

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાબાસાહેબ આંબેડકરના સંઘર્ષમય જીવનનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી આજે દેશમાં દરેક જ્ઞાતિ અને વર્ગના લોકો ‘આપણે સૌ એક છીએ’ તે ભાવના સાથે આગળ વધી રહ્યા છે. સામાજિક સમરસતા એ માત્ર શબ્દ નથી પરંતુ રાષ્ટ્રના વિકાસનો પાયો છે.

અંતમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા ડા. આંબેડકરના મૂળ મંત્ર “શિક્ષિત બનો” ની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે, “જ્યારે દેશનો દરેક નાગરિક શિક્ષિત અને જાગૃત બનશે, ત્યારે જ સાચો બદલાવ આવશે. તમારા સામર્થ્ય થી તમે સમાજમાં પરિવર્તન લાવી શકો છો.” રાષ્ટ્રપતિએ ભારતની આર્થિક પ્રગતિનો ઉલ્લેખ કરતા ગર્વ સાથે જણાવ્યું કે, આજે દૂધ ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ભારત અગ્રેસર છે અને આ સફળતામાં જન-જનનો પ્રયાસ રહેલો છે.