શહેરાના અણીયાદ અને કવાલી હાઈસ્કુલમાં બાળલગ્ન અટકાવવા જાગૃતિ કાર્યક્રમ

શહેરા તાલુકાની અણીયાદ અને કવાલી હાઇસ્કુલમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી દ્વારા બાળ લગ્ન અટકાવવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

પંચમહાલ જીલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી દ્વારા શહેરા તાલુકાની અણીયાદ હાઇસ્કુલ અને કવાલી હાઇસ્કુલના બાળકો અને સ્ટાફ સાથે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળ લગ્ન અટકાવવાના હેતુસર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અંતર્ગત બાળ લગ્ન કરાવનાર તેમજ બાળ લગ્નને પ્રોત્સાહન આપનારને બે વર્ષની સજા તેમજ એક લાખ રૂપિયા દંડની જોગવાઇ હોવાની વાત કરી જરૂરી માર્ગદર્શન અપાયું હતું, સાથે જ આ કાર્યક્રમમાં જીલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારી રાજેશભાઈ પગી દ્વારા બાળ લગ્ન કાયદા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, સાથે જ ચાઈલ્ડ હેલ્પલાઇન 1098 ના અંજનાબેન બામણીયા દ્વારા સ્ટાઈલ હેલ્પલાઇનનો ઉપયોગ કરી બાળકો કઈ રીતે શોષણથી બચી શકે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સામાજીક કાર્યકર અવનીબેન ડામોર દ્વારા બાળકોને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી બાળ લગ્ન અટકાવવા બાળ વિવાહ મુક્ત અંગે ઉપસ્થિત સૌને શપથ પણ લેવડાવામાં આવ્યા હતા.