વલસાડ તાલુકાના મગોદ ગામમાં પંચાયતના હોદ્દાનો દુરુપયોગ કરી છેંતરપીડી આચરવાનો ગંભીર કિસ્સો

વલસાડ તાલુકાના મગોદ ગામમાં પંચાયતના હોદ્દાનો દુરુપયોગ કરી ઠગાઈ આચરવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મગોદ ગ્રામ પંચાયતના સભ્ય અને પૂર્વ સરપંચ દીપેશ પટેલે બેંકમાંથી લોન મેળવવાની લાલચમાં પંચાયતના સત્તાવાર સહી-સિક્કાનો ઉપયોગ કરી બોગસ દસ્તાવેજા તૈયાર કર્યા હતા. આ મામલે રૂરલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મગોદ ગામના પૂર્વ સરપંચ અને હાલમાં પંચાયત સભ્ય તરીકે કાર્યરત દીપેશ પટેલે બેંકમાંથી લોન લેવા માટે ખોટા પુરાવાઓ ઊભા કર્યા હતા. લોન મેળવવા માટેના જરૂરી સરકારી દસ્તાવેજામાં તેમણે ગ્રામ પંચાયતના સહી અને સિક્કાનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે વર્તમાન સરપંચ અને તલાટીને આ શંકાસ્પદ દસ્તાવેજા વિશે જાણ થઈ.

પંચાયતના સત્તાવાર રેકોર્ડમાં કોઈ પણ પ્રકારની નોંધણી વિના સહી-સિક્કાનો ઉપયોગ થયો હોવાનું જણાતા સમગ્ર મામલો ગંભીર બન્યો હતો.ગામના જવાબદાર હોદ્દેદારો દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવતા દસ્તાવેજા બોગસ હોવાનું સાબિત થયું હતું, જેના પગલે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કરી ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી દીપેશ પટેલની ધરપકડ કરી લીધી હતી.

આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા, પોલીસે કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અગાઉ આ પ્રકારે અન્ય કોઈ બેંક કે સંસ્થા સાથે છેતરપિંડી કરી છે કે કેમ, તેમજ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ. એક પૂર્વ સરપંચ અને હાલના પ્રતિનિધિ દ્વારા આ પ્રકારે સત્તાનો દુરુપયોગ થતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.