છોટાઉદેપુર જીલ્લા ભાજપે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત મતદારોને પડતી મુશ્કેલીઓ અંગે જીલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના નેતૃત્વ હેઠળ આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતના ચૂંટણીપંચ દ્વારા આયોજીત સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2025 હેઠળ જીલ્લા પ્રશાસન દ્વારા સારી કામગીરી થઈ રહી હોવા છતાં, મતદારોને કેટલીક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ તકલીફોના નિવારણ માટે ભાજપે રજૂઆત કરી છે.
આવેદનપત્રમાં મુખ્યત્વે સાત મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમાં રોજગાર કે ખેતી માટે બહારગામ રહેતા લોકોના નામ મતદાર યાદીમાંથી ન નીકળી જાય તેની તકેદારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અનુસૂચિત જનજાતિ સમાજની બહુમતી ધરાવતા છોટાઉદેપુર જીલ્લામાં પુરાવા તરીકે હાલની બેંક પાસબુક, આધાર કાર્ડ, તલાટીનો દાખલો, રેશન કાર્ડ કે શાળાનું એલ.સી. (લીવિંગ સર્ટિફિકેટ) માન્ય રાખવાની માંગ કરવામાં આવી હતી. નવા યુવા મતદારોના ફોર્મ ભરવા માટે બી.એલ.ઓ. (બૂથ લેવલ ઓફિસર) પાસે ફોર્મ ઉપલબ્ધ ન હોવાની સમસ્યા અને ઓનલાઈન ડેટા અપલોડ કરવામાં નેટવર્ક તથા એપની સરળતા અંગેની મુશ્કેલીઓ પણ રજૂ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારોમાં લગ્ન કરીને અન્ય રાજ્યમાંથી આવેલી મહિલા મતદારોના પિયરના નામ શોધવામાં પડતી તકલીફોનું સમાધાન કરવા પણ જણાવાયું હતું. ગ્રામ પંચાયત સ્તરે મતદાર સહાયતા કેન્દ્રો શરૂ કરવા અને 2002ની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ કરાવવા તેમજ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મતદાર જાગૃતિ માટે વ્યવસ્થિત પ્રચાર-પ્રસાર થાય તેવા મુદ્દાઓ પણ આવેદનપત્રમાં સામેલ હતા. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સાથે મહિલા મોરચાના આગેવાન સજ્જનબેન રાજપૂત, ભાજપ નગર પ્રમુખ અંકુરભાઈ પંચોલી, નગરના ચૂંટાયેલા કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.