મહીસાગર જીલ્લામાં બાલાસિનોર ખાતે સફળતાપૂર્વક યોજાયો “આયુષ મેળો અને મફત સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ”

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષની કચેરી નિયામકના માર્ગદર્શન હેઠળ, મહીસાગર જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા તથા કોયડમ ધન્વંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહીસાગર જીલ્લાના બાલાસિનોર ખાતેના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના પ્રાંગણમાં પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુસર “આયુષ મેળો તથા મફત સર્વ રોગ આયુષ નિદાન સારવાર કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યલક્ષી આયુષ મેળાને નગરપાલિકા પ્રમુખ ગાયત્રીબેન ત્રિવેદી, પાલિકા આરોગ્ય સમિતિ ચેરમેન હંસાબેન મકવાણા, જીલ્લા આયુર્વેદ અધિકારી વૈધ પુષ્પાબેન ખરાડી, મેડિકલ એસોસિએશન પ્રમુખ ડો. નિખિલ શાહ, લાયન્સ ક્લબ પ્રવિણભાઇ સેવક સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો.

જીલ્લા આયુર્વેદ અધિકારી વૈધ પુષ્પાબેને સૌને આવકારતા મેળામાં આયોજીત વિવિધ સ્ટોલ તેમજ આરોગ્ય સેવાઓ વિષે વિગતવાર માહિતી આપી હતી.ઉદ્ઘાટન સમારોહમાં મોના વિદ્યામંદિરની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. યોગ ઇન્સ્ટ્રકરોએ યોગ નિદર્શન કરીને લોકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું.

આ પ્રસંગે આયુર્વેદિક અને હોમિયોપેથીના નિષ્ણાત તબીબો તેમજ કર્મચારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ મફત સર્વ રોગ નિદાન કેમ્પમાં આયુર્વેદિક અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા નિષ્ણાત તબીબોએ વિવિધ રોગોનું નિદાન અને સારવાર પૂરી પાડી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અર્બન હેલ્થ ઓફિસર ડો. દેવેન્દ્ર શાહે કર્યું હતું.

આ કેમ્પમાં પાચનતંત્ર, શ્ર્વસનતંત્ર, ચામડીના રોગો, સાંધાના દુખાવા, લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો, દાંત, કાન, નાક અને ગળાના રોગો સહિતના વિવિધ રોગો માટે નિદાન, સારવાર અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રજાજનોને એક જ સ્થળે આયુષ પદ્ધતિની નિદાન અને સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી આયોજીત આ મેળા અને કેમ્પનો મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. આયુષ મેળા દ્વારા લોકોમાં આયુર્વેદ અને હોમિયોપેથી જેવી પ્રાચીન ભારતીય પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ વધારવામાં આવી હતી.