મહીસાગર જીલ્લામાં SIR-2026 અંતર્ગત કામગીરી પુરજોશમાં : દિવ્યાંગ મતદારો માટે વિશેષ કેમ્પ યોજાયો

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.01 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. આ કામગીરીના ભાગરૂપે મહીસાગર જીલ્લામાં તા.22/11/2025 (શનિવાર) ના રોજ દિવ્યાંગ મતદારો માટે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઉપસ્થિત દિવ્યાંગજનોને ગણતરી (EF)) ફોર્મ ભરવાની પ્રક્રિયા, વર્ષ 2002ની મતદારયાદીમાં પોતાનું કે વડીલોનું નામ શોધવાની રીત અને જો 2002ની યાદીમાં નામ ન હોય તો કયા પુરાવા રજૂ કરવા તે અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકશાહીના આ પર્વને મજબૂત બનાવવા માટે આયોજીત આ કેમ્પમાં 65 જેટલા દિવ્યાંગ (PwD)) મતદારોએ હાજર રહીને અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ઉલ્લેખનિય છે કે, મહીસાગર જીલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત તમામ બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા તા.04/11/2025 થી તા.04/12/2025 સુધી એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં BLOદ્વારા પ્રત્યેક મતદારના ઘરે જઈને એન્યુમેરેશન (ગણતરી) ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આ ભરેલા ફોર્મ પરત મેળવીને તેને સિસ્ટમમાં ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી હાલ જીલ્લામાં પ્રગતિ હેઠળ છે.