દાહોદના ખંગેલા ચેક પોસ્ટ પરથી ટ્રકમાં પ્લાસ્ટીક કુલર ફ્રેમની આડમાં લઈ જવાતો રૂા.21.69 લાખનો દારૂ ઝડપ્યો

લોકલ ક્રાઇમ બ્રાન્ચ, દાહોદ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુજરાતમધ્યપ્રદેશ બોર્ડર પર આવેલ ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી આઈસર ટ્રકમાં પ્લાસ્ટીકના કુલર ફ્રેમની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની વિશાળ જથ્થાબંધ હેરાફેરી ઝડપાતા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને નોંધપાત્ર સફળતા મળી છે.

પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા , દાહોદના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર કડક અંકુશ લાવવા તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે અસરકારક કાર્યવાહી કરવા એલ.સી.બી. ટીમોને સતત સૂચનાઓ આપવામાં આવેલ હતી.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દાહોદના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતીના માર્ગદર્શન હેઠળ પી.ઇન્સ. ડી.આર. બારૈયા, પી.એસ.આઈ. આર.વી.રાઠોડ, પી.એસ.આઈ. એન.બી.પરમાર તથા એલ.સી.બી. સ્ટાફની ટીમ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં કાર્યરત હતી.

દરમિયાન એલ.સી.બી. પો.ઇન્સ. એસ.એમ.ગામેતી ને વિશ્ર્વસનીય બાતમી મળી હતી કે, બંધ બોડીવાળી આઈસર ટ્રક રજી. નં. MP-09-GH-5071માં પ્લાસ્ટીકના કુલર ફ્રેમની આડમાં ઇંગ્લીશ દારૂ ભરેલ છે, જે મધ્યપ્રદેશ તરફથી ગોધરા તરફ જનાર છે. જેના આધારે ખંગેલા ચેક પોસ્ટ ઉપર વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી ટ્રકને રોકી તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ તથા બિયરની કુલ 271 પેટીઓ, જેમાં 7188 બોટલો મળી આવી.

આ કાર્યવાહીમાં કુલ કિ.રૂા.21,69,564/- ના દારૂ-બિયરના પ્રોહી મુદ્દામાલ સાથે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ આઈસર ટ્રક કિ.રૂા. 15,00,000/-, મોબાઇલ ફોન નંગ-01 કિ.રૂા. 5,000/- તથા પ્લાસ્ટીકના કુલર ફ્રેમ નંગ-18 મળી કુલ કિ.રૂા. 36,74,564/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.

આ કેસમાં રાજસ્થાન રાજ્યના આરોપી જયરામ પિતા તેજારામ મોતીરામ, જાતે જાટ (ન્હેરાજાટ), ઉ.વ. 27 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહે. નહેરોકાટલા પોસ્ટ કુંદનપુર, તા. સેડવા, જી. બાડમેર (રાજસ્થાન) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે કતવારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે.

આમ, કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુજરાતમધ્યપ્રદેશ બોર્ડર પરથી દારૂની હેરાફેરી ઝડપાવી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબિશનના ગણનાપાત્ર ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.