
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી ૨૦૨૬ના વર્ષ માટે સંગઠનાત્મક આયોજન અને જનતાના પ્રશ્ર્નોને વાચા આપવા માટે ‘મહા જનસંપર્ક અભિયાન’ની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના ખૂણેખૂણે જઈને લોકોની વેદના સાંભળવામાં આવી રહી છે. જે અંતર્ગત ક્સિાન આક્રોશ યાત્રા દ્વારા સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા સુધી ૧૧ જિલ્લાઓમાં ૧૧૦૦ કિમીનો પ્રવાસ ખેડી ખેડૂતોના પ્રશ્ર્નોને વાચા આપવામાં આવી છે. ત્યારબાદ જનાક્રોશ યાત્રાના પ્રથમ ચરણમાં ઉત્તર ગુજરાતના ૭ જિલ્લાઓમાં ૧૩૦૦ કિમીના પ્રવાસ દરમિયાન લોકોના પ્રત્યક્ષ પ્રશ્ર્નો જાણ્યા હતા. હાલમાં ૨૦ ડિસેમ્બરથી ફાગવેલથી શરૂ થયેલી મય ગુજરાતની જનાક્રોશ યાત્રાનું બીજા ચરણ ચાલી રહ્યું છે, જે ૧૪૦૦ કિમીનો પ્રવાસ કરી ૬ જાન્યુઆરીએ દાહોદમાં સંપન્ન થશે.
તેમણે કહ્યું કે આ યાત્રાઓની ભવ્ય સફળતા અને જનતાના મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ, ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને ઉઘાડી લૂંટ સામે લડવા માટે ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી કોંગ્રેસ આક્રમક રીતે ‘મહા જનસંપર્ક અભિયાન’ અને ‘ગો ટુ ધ પીપલ’ કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતરશે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ ૧૦૯૦ જિલ્લા પંચાયત બેઠકો અને તેમાં સમાવિષ્ટ ૫૨૦૦ તાલુકા પંચાયત બેઠકો પર કોંગ્રેસ સીધો ‘જનસંવાદ’ સ્થાપિત કરશે. આ કાર્યક્રમ દ્વારા ગ્રામીણ સ્તરે સિસ્ટમની ખામીઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરી આંદોલનાત્મક લડાઈ લડવામાં આવશે.
શહેરી સ્તરે કોંગ્રેસે ‘કોંગ્રેસ આપને દ્વાર’ કાર્યક્રમની જાહેરાત કરી છે, જે અંતર્ગત રાજ્યના ૧૭ મહાનગરોમાં કોંગ્રેસનો કાર્યકર દરેક ઘર સુધી પહોંચશે. રાજકીય ઇતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસ એસી ઓફિસમાં બેસીને નહીં પરંતુ શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્ર્નો પર પ્રજાના પ્રત્યક્ષ સૂચનો મેળવી ‘જનતાનો મેનિફેસ્ટો’ તૈયાર કરશે. આ ઉપરાંત, શહેરોમાં જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ મંચ પરથી પ્રાપ્ત થયેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે વોર્ડ વાઈઝ ‘જનાક્રોશ પદયાત્રા’ યોજી પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવનારાઓને ખુલ્લા પાડવામાં આવશે. કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાન મુઠ્ઠીભર લોકોના હિત માટે નહીં, પરંતુ ગુજરાતના બહોળા જનસમૂહના હક અને અધિકાર માટે છે.
તમામ મહાનગરોમાં જે લોકોની રજૂઆત સરકારી કચેરીઓમાં સાંભળવામાં નથી આવતી, રાજકીય પક્ષાપક્ષીથી દુર તેમને પ્રશ્ર્નો રજૂ કરવા માટે મંચ આપવામાં આવશે. જનમંચ પરથી ઉજાગર થયેલા ભ્રષ્ટાચાર અને જનતાના પ્રશ્ર્નોના નિરાકરણ માટે લોકોની સાથે મળીને પદયાત્રા કરવામાં આવશે.