₹363 કરોડના ખર્ચે બની રહેલા અમદાવાદ-ઈન્દોર RCC હાઇવેનું રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે જાતે કર્યું નિરીક્ષણ

માત્ર ઉદ્ઘાટન પૂરતા સીમિત રહેવાને બદલે સાંસદે ખાનગી સર્વેથી મંજૂર કરાવેલા 45 કિમીના RCC રોડની સાઈટ પર જઈને ગુણવત્તા પણ ચકાસી

અમદાવાદ અને ગોધરાને જોડતા નેશનલ હાઈવે 47ની બિસ્માર હાલતથી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે એક આદર્શ જનપ્રતિનિધિ તરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે નેતાઓ માત્ર સરકારી તંત્ર પર આધાર રાખતા હોય છે અથવા તો પ્રોજેક્ટ શરૂ થાય ત્યારે ઉદ્ઘાટન પૂરતા જ દેખા દેતા હોય છે. પરંતુ ડૉ. જશવંતસિંહ પરમારે  આ પરંપરા તોડીને સમગ્ર સમસ્યાના નિવારણની જવાબદારી શરૂઆતથી લઈને અંત સુધી પોતાના હાથમાં લીધી છે. જ્યારે આ હાઈવે વારંવાર તૂટી જતો હતો ત્યારે તેમણે માત્ર મૌખિક રજૂઆતો કરવાના બદલે પોતાના અંગત ખર્ચે એક પ્રાઈવેટ કંપની પાસે રોડનો વૈજ્ઞાનિક અને ટેકનિકલ સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં રોડ વારંવાર કેમ તૂટે છે તેના કારણો શોધીને તેનો વિસ્તૃત રિપોર્ટ ગાંધીનગર સ્થિત નેશનલ હાઈવે ઓથોરિટીના રિજિયોનલ મેનેજર સુનિલ યાદવ અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને તારીખ 26/11/2025 ના રોજ સુપરત કર્યો હતો.

રાજ્યસભાના સાંસદની સચોટ અને પાયાની રજૂઆતને પગલે કેન્દ્ર સરકારે માત્ર થીગડાં મારવાના બદલે સમસ્યાના કાયમી ઉકેલ માટે લાડવેલથી પંચમહાલના વાવડી ટોલ પ્લાઝા સુધીના 45 કિલોમીટરના પટ્ટાને કાયમી ધોરણે મજબૂત બનાવવા RCC થી તૈયાર કરવા માટે ₹363 કરોડનું માતબર બજેટ ફાળવ્યું હતું. આ મંજૂરી બાદ હાલમાં આ રોડની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે જે આગામી 18 મહિનામાં પૂર્ણ થવાની છે. પરંતુ રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ માત્ર મંજૂરી લાવીને અટક્યા નથી. પોતે જે રોડ મંજૂર કરાવ્યો છે તેમાં ગુણવત્તાયુક્ત અને ટકાઉ કામગીરી થઈ રહી છે કે કેમ તે જોવા માટે તેઓ જાતે જ સાઈટ પર પહોંચી ગયા હતા.

સ્થળ પર જઈને તેમણે રોડ નિર્માણની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે કામની ગુણવત્તા બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. પ્રજાના પ્રશ્નને સમજીને તેના મૂળ સુધી જવું, પોતાના ખર્ચે સર્વે કરાવવો, કેન્દ્રમાંથી કરોડોનું બજેટ મંજૂર કરાવવું અને છેલ્લે કામગીરી પર જાતે જ દેખરેખ રાખવી – સાંસદની આ સમગ્ર સળંગ કાર્યશૈલી જોઈને આસપાસના લોકો અને વાહનચાલકોમાં તેમની ભારે પ્રશંસા થઈ રહી છે. લોકોમાં ચર્ચા જાગી છે કે નેતા હોય તો આવા! જ્યારે અન્ય નેતાઓ કામ શરૂ થાય ત્યારે માત્ર ફોટા પડાવવા કે ઉદ્ઘાટન વખતે આવે છે અને પછી કામ કેવું થયું તે જોવા ફરકતા પણ નથી ત્યારે ડૉ. જશવંતસિંહ પરમારની આ સક્રિયતાએ લોકોના દિલ જીતી લીધા છે.