વોઈસ ચેન્જરથી હની ટ્રેપ : ફતેપુરાના યુવકને પ્રેમ ભરી વાતોમાં ફસાવીને યુવકને બોલાવી ચપ્પુની અણીએ ત્રણ મિત્રોને લુંટ્યા

દાહોદ જિલ્લાના સુખસર પોલીસ મથક વિસ્તારમાં હની ટ્રેપ દ્વારા લુંટનો સનસનાટી ભર્ય ગુનો નોંધાયો છે. ફતેપુરા તાલુકાના પીપલારા ગામના ધનશ્યામભાઈ ગરાસિયાએ ગત તા.12 નવેમ્બરના રોજ એક અજાણ્યા નંબર પરથી સતત ફોન આવતા હતા. ફોન કરનારે સભવત: વોઈસ ચેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરીને યુવતીના અવાજમાં પ્રેમ ભરી મીઠી વાતચીત કરીને ધનશ્યામભાઈને ફસાવ્યા હતા. આ ષડયંત્રના ભાગરૂપે યુવતીએ ધનશ્યામભાઈને સાંજે આશરે 8 વાગ્યે વાંસયાકુઈ ગામ પાસે વેળા નજીક એક નિર્જન કાચા રસ્તે મળવા માટે બોલાવ્યા હતા. ધનશ્યામભાઈ પોતાના પાડોશી મિત્રો ડેવિલકુમાર પારગી અને સતીશભાઈ પારગી સાથે મોટરસાયકલ લઈને ત્યાં પહોંચ્યા હતા. જયારે ત્રણેય મિત્રોએ બાઈક ઉભું રાખ્યુ તે જ ક્ષણે ઝાડીઓમાંથી ચાર અજાણ્યા શખ્સો અચાનક બહાર આવ્યા હતા. એક શખ્સે તરત જ બાઈકની ચાવી ખેંચી લીધી અને બીજાઓએ ત્રણેય મિત્રોેને પકડી લીધા હતા. લુંટારૂઓએ બુમો પાડશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. ચપ્પુ બતાવી અને કમરના પટ્ટાથી માર માર્યો હતો. લુંટારૂઓએ ધનશ્યામભાઈ પાસેથી રૂ.50,000ના બે ભોરિયા, પર્સ, અને રૂ.20,000નો મોબાઈલ ફોન ઝુંટવી લીધો હતો. આ ઉપરાંત ડેવિલભાઈ અને સતીશભાઈના રૂ.10,000 અને રૂ.20,000ની કિંમતના મોબાઈલ પણ ઝુંટવી લીધા હતા. આમ કુલ રૂ.1,00,300/-ની કિંમતનો મુદ્દામાલ લુંટીને લુંટારૂઓ ફરાર થઈ ગયા હતા. લુંટારૂઓ ફરી મારવા આવતા ત્રણેય યુવકો ડરીને સ્થળ પરથી ભાગી છુટ્યા હતા. ધનશ્યાશભાઈ ગરાસિયાએ આ અંગે સુખસર પોલીસ મથકમાં અજાણ્યા ચાર શખ્સો અને બોલાવનાર યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી હતી.