–ધાર્મિક વિચારસરણીથી પર્યાવરણને જોડવાની પહેલ
દાહોદ શહેરને પર્યાવરણની દ્રષ્ટિએ પણ ‘સ્માર્ટ’ બનાવવાની તાતી જરૂરિયાતને ઘ્યાનમાં રાખીને પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ દ્વારા અગામી તા.25 નવેમ્બરે ધર્મગુરૂઓ સાથે એક મહત્વનુ બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ પહેલાનો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં ધર્મગુરૂઓનુ અમુલ્ય યોગદાન મેળવવાનો છે.
દાહોદ શહેરમાં પ્રકૃતિમિત્ર મંડળ દ્વારા તમામ ધર્મના ધર્મગુરૂઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેમના ઉમદા જ્ઞાન અને ધાર્મિક રીતે ઉચ્ચ વિચારશરણી હેઠળ તેઓ સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહે છે. સંસ્થાની અપેક્ષા છે કે, ધર્મગુરૂઓની આ જ ભાવનાને પર્યાવરણ સાથે સાંકળીને દાહોદને હરિયાળુ તથા નવપલ્લવિત કેવી રીતે બનાવી શકાય તે અંગે તેમના અમુલ્ય સુચનો તથા માર્ગદર્શન મળી શકે, પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી છે. તેમની સંસ્થા 1984થી સતત પર્યાવરણના વિવિધ શાખાઓમાં કાર્ય કરી રહી છે. જેમાં વૃક્ષોનો ઉછેર, રોપા, વિતરણ, જંગલોનો બચાવ, સર્પ સૃષ્ટિ અને પક્ષી સૃષ્ટિની દેખરેખ ઉપરાંત બાળકોને પર્યાવરણનુ શિક્ષણ તથા સ્ત્રીઓ અને સિનીયર વ્યક્તિઓમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. પર્યાવરણ અંગેના આ વિચાર વિમર્શ માટેની મિટીંગ આગામી તા.25 નવેમ્બરે સાંજે 4 થી 5.30 વાગ્યા દરમિયાન શ્રી અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે યોજાશે.તેઓ આ બેઠકમાં તેમનો અમુલ્ય સમય ફાળવી અચુક હાજર રહી માર્ગદર્શિત કરે પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદ દ્વારા ધર્મગુરૂઓને આશા સહ વિનંતી કરવામાં આવી છે.