વિરપુરના પાંટાથી ખેરોલી જતાં કોતરની બિનઉપયોગી પાઇપલાઈન દુર કરવા ખેડુતો દ્વારા વારંવાર રજુઆત કરાઈ છે. ત્યારે વિભાગ વહેલી તકે આ પાઈપલાઈન દુર કરશે તેવી ખેડુતો આશા રાખી રહ્યા છે.
વિરપુર અને બાજુના વિસ્તારોમાં પીવાના પાણીની જરૂરિયાત જણાતા પાંટાથી ખેરોલી જતાં કોતરની અંદરની બાજુએ પાણી પુરવઠા દ્વારા લોખંડની પાઈપલાઈન કરવામાં આવી હતી. જેમાં કોતરના ભાગે સિમેન્ટના પિલ્લર દ્વારા સપોર્ટ આપી પસાર કરવામાં આવી હતી. આ કોતરના માર્ગે વિસ્તારના ખેડુતો વર્ષોથી અવર જવર તથા ખેતી માટે જરૂરિયાત પ્રમાણે સમય સમયે બળદગાળા અને ટ્રેકટર જેવા વાહનો લઈ પશુ આહાર, ધાસચારો તેમજ પાકની ઉપજ થતાં વાહનોમાં ભરી પોતાના ધર કે બજારો સુધી લઈ જતા વાહનો દ્વારા લઈ જઈ શકતા હતા. પરંતુ કોતરમાં ડુંગરાળ વિસ્તારમાંથી ચોમાસાના પાણીની સાથે માટી પણ આવતા આ કોતરનુ પુરાણ થઈ ગયુ છે. જેને લઈને છેલ્લા ચાર -પાંચ વર્ષથી કોતરના ભાગેથી માણસ પણ નીચો નમીને જાય છે. તેવી પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે. જે બદલ ખેડુતોને ખેતી માટે વાહન તેમજ તૈયાર કરેલ પાક લાવવા સાથે પશુના ધાસચારો લાવવામાં ખુબ હાલાકી પડી રહી છે. જયારે દોઢ વર્ષ જેવા સમયથી પાણી પુરવઠા દ્વારા પાણી માટે અન્ય પાઈપલાઈન નાંખી પાણી લઈ જવાતા હાલની પાઈપલાઈન બિનઉપયોગી પડી રહી છે. જયારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આ બાબતે થતી સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે ખેડુતોએ પાંચ મહિના કરતા વધુ સમયથી અનેકવાર રજુઆતો કરેલ છે. તેમ છતાં આજદિન સુધી બિનઉપયોગી પાઈપલાઈન હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નથી.હાલમાં આ રસ્તેથી પસાર થવુ લોકો માટે જોખમી બની ગયુ છે. ત્યારે તંત્ર દ્વારા આ બિનઉપયોગી પાઈપલાઈન દુર કરવામાં આવે તેવી માંગ ખેડુતો કરી રહ્યા છે.