હાલોલ તાલુકાના ગ્રામ રક્ષક દળના જવાનો અને મહિલાઓને વેતન વધારા સહિતની વિવિધ માંગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર રજુ કર્યુ હતુ. વર્ષોથી પોલીસ તંત્ર સાથે ખભેથી ખભા મિલાવીને બંદોબસ્તથી લઈને કુદરતી આપત્તિ, કોરોના કાળ, ચુંટણીઓ, ગણેશોત્સવ, હોળી-ધુળેટી, તાજીયા જેવા સંવેદનશીલ કાર્યક્રમોમાં અવિરત ફરજ બજાવતા હોવા છતાં તેમના માનદ વેતન અત્યંત ઓછુ હોવાથી વ્યથા વ્યકત કરી છે.
હાલમાં ગ્રામ રક્ષક દળના સભ્યોને દેૈનિક માનદ વેતન અને ભાડુ ભથ્થુ મળી કુલ રૂ.330 ચુકવવામાં આવે છે. જે આજની મોંઘવારીમાં પુરતુ નથી. બીજી તરફ હોમગાર્ડ જવાનોને દેૈનિક રૂ.454 વેતન મળે છે. જેને લઈ એક જ માના દિકરા પરંતુ વેતનમાં ભેદભાવ કેમ…?એવો સવાલ ઉઠાવ્યો છે. તેમણે આ સ્થિતિને ખુલ્લેઆમ શોષણ ગણાવી છે. આવેદનમાં યુનિફોર્મ, સ્વેટર, બુટ જેવી પાયાની સુવિધાઓ ન મળવાની સમસ્યા પણ રજુ કરવામાં આવી છે. સાથે જ પી.એફ., ગ્રેન્ચ્યુટી, મેડિકલ અને આકસ્મિક વિમા જેવી સુરક્ષાની સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ પણ ઉઠાવવામાં આવી છે. આ માંગણીઓ અંગે નાઈ પરમાર મારફતે નાયબ મુખ્યમંત્રીના ઘ્યાન પર મુદ્દો મુકાયો છે. સમાજ સેવી સુરેશભાઈ પરમાર અને રમેશભાઈ સંઘવી દ્વારા પણ સચિવાલય ખાતે રજુઆત કરવામાં આવી છે. ગ્રામ રક્ષક દળના સભ્યો તરફથી માંગ છે કે, આ ગંભીર અને ન્યાયસંગત મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં લઈ રજુઆતોને ઉચ્ચકક્ષાએ મોકલી યોગ્ય નિર્ણય કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.