ગોધરાની સિવિલ હોસ્પિટલમાં પ્રસૃતા વોર્ડમાં ક્ષમતા કરતા વધુ પ્રસૃતાની સારવાર ચાલી રહી છે. સગવડના અભાવે એક બેડ પર બે પ્રસૃતા સુવા મજબુર બની રહી છે. નવજાત બાળકોના સ્વાસ્થ્ય જોખમ હોવાથી સિવિલ તંત્ર દ્વારા યોગ્ય સગવગ ઉભી કરવામાં આવે તેવી દર્દીઓની માંગ ઉઠવા પામી છે.
ગોધરાની સિવિલ હોસ્પિટલમાં શહેર સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. મેડિકલ કોલેજ માન્ય સિવિલ હોસ્પિટલ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય સગવડ ઉભી ન કરાતા હોવાની ધટનાઓ વારંવાર બનતી હોય છે. જેને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આરોગ્યલક્ષી સગવડોનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલના પ્રસૃતિ વોર્ડમાં માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલના સત્તાવાર રેકર્ડ મુજબ પ્રસૃતિ વિભાગની કુલ બેડની ક્ષમતા માત્ર 24 છે. પરંતુ હાલમાં 35થી વધુ પ્રસૃતાઓની સારવાર ચાલી રહી છે. ક્ષમતા કરતા દોઢ ગણી વધુ પ્રસૃતિ મહિલાઓની સારવાર ચાલતી હોવાથી એક બે પર બે પ્રસૃતા મહિલાઓને સુવડાવવામાં આવે છે. જેથી નવજાત બાળકોના સ્વાસ્થ્ય સાથે જોખમ ઉભું થવાના કારણે દર્દીઓના સગામાં સિવિલ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.