વર્ષોથી જીલ્લાકક્ષા રાષ્ટ્રીય પર્વની સંખેડામાં જ ઉજવણી કરવામાં આવતાં તાલુકાના અન્ય ગામો નારાજ

સંખેડા તાલુકામાં જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી વર્ષોથી મોટાભાગે સંખેડા ગામમાં જ થતી આવી છે. તેના કારણે તાલુકાના અન્ય ગામોના લોકો કાર્યક્રમમાં માત્ર દર્શક બની રહેતા હોવાની ચર્ચા તેજ થઈ છે.

સ્થાનિકોમાં સવાલ ઉઠ્યો છે કે, સમગ્ર તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય પર્વો એક જ ગામ સુધી કેમ સીમિત રહે છે. તાલુકામાં અનેક મોટા ગામોમાં વિશાળ મેદાનો છે. જ‚રી વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં દર વર્ષે એક જ સ્થળ પસંદ થતું હોવાનો આક્ષેપ થયો છે.

જીલ્લા કક્ષાના કાર્યક્રમ પહેલાં રસ્તા, મેદાન, સ્વચ્છતા, લાઇટિંગ, પાણી જેવી સુવિધાઓમાં સુધારા કરવામાં આવે છે. આ વિકાસકાર્યોનો લાભ એક જ વિસ્તારમાં કેન્દ્રિત રહેતો હોવાની ફરિયાદ પણ સામે આવી છે.

સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે, દર વર્ષે અલગ-અલગ યોગ્ય ગામોમાં ઉજવણી કરાય તો વિકાસના લાભો તાલુકાના વિવિધ વિસ્તારો સુધી પહોંચી શકે. આ વર્ષે ફરી સંખેડામાં જ જીલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ યોજાનાર છે. હવે વહીવટી તંત્ર પરંપરામાં ફેરફાર કરશે કે નહીં, તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે.