છોટાઉદેપુર જીલ્લામાં ખરીદી પ્રક્રિયા પૂરી થતાં દફતરનો જથ્થો આવ્યો દોઢ મહિના બાદ બાળકોને દફતર મળ્યા

છોટાઉદેપુર જીલ્લામાં ગત જૂન મહિનાની ૨૩, ૨૪ અને ૨૫ તારીખે ધામધૂમથી શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો, પરંતુ શિક્ષણ સમિતિની ઘોર લાપરવાહીના કારણે માસૂમ બાળકોને દફટરની ભેટ મળી શકી નહોતી.

દર વર્ષે જીલ્લા પંચાયત સ્વ ભંડોળમાંથી સમયસર દફતર ખરીદીને પ્રવેશોત્સવના દિવસે જ બાળકોના હાથમાં થેલા સોંપી દેતી હોય છે. જોકે, ચાલુ વર્ષે જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે ટેન્ડર કે ખરીદીની પ્રક્રિયા સમયસર હાથ ધરાઇ જ નહોતી!

સરકારી બાબુઓની આ કાગળ પરની ધીમી કામગીરીનું પરિણામ આખરે તો નિર્દોષ બાળકોએ ભોગવવું પડ્યું. શાળા પ્રવેશોત્સવ પૂરો થયાના આખા દોઢ મહિના સુધી બાળ વાટિકા અને ધોરણ-૧ના નાના-નાના ભૂલકાંઓ દફતર વિના જ અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા.

અંતે, તંત્ર નિદ્રામાંથી જાગ્યું છે અને ખરીદી પ્રક્રિયા પૂરી થતાં હવે દફતરનો જથ્થો આવી પહોંચ્યો છે. બુધવારથી સંખેડા તાલુકામાં ધોરણ-૧ અને બાળ વાટિકાના નવપ્રવેશિત વિદ્યાર્થીઓને દફતર વિતરણ કરવાની મોડે-મોડે શ‚આત કરાઇ છે.

પ્રવેશોત્સવના દોઢ મહિના પછી દફતર મળતાં વાલીઓ અને સ્થાનિકોમાં તંત્રની આ ઢીલી કારોબારી સામે છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે.