નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ખોખરા(લા) ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્લેબ ડ્રેઈન બનાવવામાં નહીં આવતાં ગામનો મુખ્ય રસ્તો જ તૂટી ગયો છે. જેના કારણે ૭૦૦ની વસ્તી ધરાવતા આ ગામના લોકો છેલ્લા ૨ દિવસથી અટવાઈ પડ્યા હતા. કોતરનું પાણી ઉતર્યા બાદ ગ્રામજનોની અવર જવર શ થઈ હતી.
ગત વર્ષે બે વાર ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ગામમાં પ્રવેશી શકતી ન હોવાથી સગર્ભાઓને ઉંચકીને દવાખાને લઈ જવાની ફરજ પડી હતી. તો ગત વર્ષે આ જ કોતરમાં એક છોકરી પાણીમાં તણાઈ ગયા બાદ મોતને ભેટી હતી. છતાં આજદિન સુધી કોતર ઉપર સ્લેબ ડ્રેઈન બનાવાયો નથી. જેને લઈ દર વર્ષે ચોમાસામાં વિસ્તારના ગ્રામજનો હેરાન બને છે. ગામને જોડતા રસ્તા વચ્ચેથી પસાર થતી કોતર પર નાનો પુલ કે સ્લેબ ડ્રેઈન ન હોવાથી ભારે વરસાદમાં પાણી સીધું મુખ્ય રસ્તા પરથી પસાર થાય છે.
આ વખતે સતત વરસાદના કારણે કોતરમાં પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે રસ્તા પર ૫૦ ફૂટ પહોળો અને ૩૦ ફૂટ ઊંડો મોટો કટ પડી ગયો છે. પાણી ઉતર્યા બાદ પણ રસ્તો અવરજવર માટે બિલકુલ લાયક રહ્યો નથી. પરિણામે ખોખરા(લા)ના ૭૦૦ લોકો સહિત આસપાસના નર્મદા જીલ્લાના ગામોનો સીધો સંપર્ક કપાઈ ગયો છે.
પાણી ઉતર્યા બાદ ગ્રામજનોની અવર જવર શ થઈ છે. તો પહેલા દિવસે પાણી કોતર ઉપર દસ ફૂટ ઉંચાઈથી વહેતું હોઇ ગ્રામજનો જોખમ લીધા વગર આમતેમ રહેવા મજબૂર બન્યા હતા. હાલ તો કોતરમાં પાણી ઓછું થયું છે. ત્યારે સ્લેબ ડ્રેઈન બનશે ત્યારે બનશે તે પહેલાં બે ચાર પાઇપ મૂકી દરરોજ અવર જવર કરી શકાય તેવી સુવિધા પંચાયત આર એન્ડ બી કરી આપે તેવી માંગ ઉઠી છે.
સ્લેબ ડ્રેઈન બને તો વિસ્તારનો વિકાસ થાય ખોખરા લા ગામે સ્લેબ ડ્રેઈન બને તો છોટાઉદેપુર અને નર્મદા જીલ્લો જોડાય જાય તેમ છે. બોર્ડર વિલેજ ગામનો વિકાસ કરવાની વાત સરકાર કરે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. સ્લેબ ડ્રેઈન બને તો વિસ્તારનો વિકાસ થાય ને બે આદિવાસી જીલ્લા જોડાઈ જાય.
સ્લેબ ડ્રેઈન મંજૂર કરાયો છે, હવે સરકાર બનાવશે ક્યારે? ડુંગર વિસ્તારનું પાણી ગામના મુખ્ય રસ્તા ઉપર બે દિવસથી હતું. સતત વરસાદ પડતો હોઈ અમે દરરોજ હેરાન બન્યા છે. સ્લેબ ડ્રેઈન મંજૂર કરવામાં આવ્યો છે. પણ હવે સરકાર બનાવશે ક્યારે તે ખબર નહીં. ૭૦૦ની વસતિને આટલી મુશ્કેલી છે પણ કહેવાનું કોને? – પ્રવીણડુંગરા ભીલ, સ્થાનિક