વહેલી સવારે કચ્છમાં ભૂકંપના જોરદાર ઝટકાથી ધરા ધ્રુજી, લોકો ઘરની બહાર ભાગ્યા !

ભૂકંપના આંચકાથી આજે ગુજરાતની ધરતી ધ્રૂજી ઉઠી હતી. કચ્છ જિલ્લામાં શુક્રવારે સવારે ૪:૩૦ કલાકે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૪ માપવામાં આવી છે. વહેલી સવારે આવેલા આ આંચકાથી ગભરાઈને લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને સુરક્ષા માટે ઘરની બહાર દોડી ગયા હતા.

એનસીએસના જણાવ્યા અનુસાર, કચ્છમાં આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. તેનું ચોક્કસ સ્થાન અક્ષાંશ ૨૩.૬૫ એન અને રેખાંશ ૭૦.૨૩ ઈ પર રહ્યું હતું. રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનમાલની નુક્સાનીના સમાચાર મળ્યા નથી.

કચ્છ જિલ્લો હાઈ સિસ્મિક રિસ્ક ઝોન (ભૂકંપના ઉચ્ચ જોખમ ધરાવતા વિસ્તાર) માં આવે છે, જ્યાં ઓછી તીવ્રતાના ભૂકંપ નિયમિતપણે આવતા રહે છે. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં અગાઉ પણ હળવા આંચકા નોંધાયા હતા. ગત ૧૩ ડિસેમ્બરના રોજ પણ ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

નોંધનીય છે કે ગુજરાતના કચ્છમાં સૌથી વિનાશક ભૂકંપ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ આવ્યો હતો. તે સમયે રિક્ટર સ્કેલ પર ૬.૯ની તીવ્રતા નોંધાઈ હતી. એ કરુણ ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને મોટા પ્રમાણમાં મકાનો તેમજ ઇમારતો ધરાશાયી થઈ ગયા હતા.