
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કહ્યું છે કે કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયન કાયદાની જેમ બાળકો દ્વારા ઈન્ટરનેટના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કાયદો ઘડવાનો વિચાર કરવો જોઈએ. બેન્ચે એમ પણ કહ્યું કે જ્યાં સુધી આવો કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી રાજ્ય અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે બાળકોને સુરક્ષિત ઇન્ટરનેટ ઉપયોગ વિશે શિક્ષિત કરવા માટે એક કાર્ય યોજના વિક્સાવવી જોઈએ.
મદુરાઈ બેન્ચ દ્વારા પ્રસ્તાવિત કાયદાનો હેતુ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાથી રોકવાનો છે. એવો ભય છે કે સગીરો સોશિયલ મીડિયા પર હાનિકારક ઓનલાઈન સામગ્રીના સંપર્કમાં આવી શકે છે, જે તેમની માનસિક્તા અને વિચારસરણી પર નકારાત્મક અસર કરી શકે છે.
જસ્ટિસ જી. જયચંદ્રન અને કે. રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે અરજદાર એસ. વિજયકુમાર દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. અરજીમાં, એસ. વિજયકુમારે એક નવા ઓસ્ટ્રેલિયન કાયદાનો ઉલ્લેખ કર્યો હતો જે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે ભારત સરકાર સમાન કાયદો ઘડવાનો વિચાર કરે.
અરજદાર વિજયકુમારે એક પીઆઇએલ દાખલ કરી હતી જેમાં ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને પેરેન્ટલ વિન્ડો સેવાઓ પૂરી પાડવા અને સરકારને બાળકોમાં જાગૃતિ લાવવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે પોર્નોગ્રાફિક સામગ્રી હવે ઇન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ છે.
૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ, ઓસ્ટ્રેલિયા ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકનાર વિશ્ર્વનો પ્રથમ દેશ બન્યો. આ અંતર્ગત, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, ટિકટોક અને ઠ જેવા પ્લેટફોર્મ પર બાળકોના એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં, યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને સ્પષ્ટપણે સંકેત આપ્યો હતો કે ૨૭ ઇયુ સભ્ય દેશોમાં બાળકો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પ્રતિબંધિત કરી શકાય છે, કારણ કે તે તેમને વિવિધ જોખમોમાં મૂકી શકે છે.