
ઝાલાવાડ ની પવિત્ર ધરા પર આવેલા સુપ્રસિદ્ધ દૂધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોડી રાત્રે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું આગમન થયું હતું. ભકિતમય માહોલ વચ્ચે યોજાયેલા લોક ડાયરામાં હાજરી આપી નાયબ મુખ્યમંત્રીએ ભાવિકોને સંબોધિત કર્યા હતા અને મંદિરના વિકાસ માટે મહત્વની જાહેરાતો કરી હતી.
લોક ડાયરાના સ્ટેજ પરથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડવાળા મંદિરના આધુનિકીકરણ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે વધુ રુ. ૨ કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. તેમણે શ્રદ્ધાપૂર્વક જણાવ્યું હતું કે, “બાપુ જે પણ કામ સૂચવશે, તે તમામ કામો અમે અગ્રતાના ધોરણે પૂર્ણ કરીશું.” આ જાહેરાતથી વડવાળાના સેવકો અને સ્થાનિકોમાં ખુશીની લહેર જાવા મળી હતી.
પોતાના સંબોધનમાં હર્ષભાઈ સંઘવીએ જૂની યાદો તાજી કરતા કહ્યું કે, જ્યારે તેઓ પ્રથમ વખત અહીં આવ્યા હતા ત્યારે આ પવિત્ર ભૂમિ પરથી જ ગૌ હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પના પરિણામ સ્વરૂપ અત્યાર સુધીમાં અંદાજે ૧૮ જેટલા ગૌ હત્યારાઓને ૭ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી છે, જેઓ હાલ જેલના સળિયા ગણી રહ્યા છે. ગુજરાત સરકાર ગૌવંશના રક્ષણ માટે કટિબદ્ધ હોવાનું પુનરોચ્ચાર કરતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે ગુનેગારોને કોઈ પણ સંજાગોમાં બક્ષવામાં આવશે નહીં.