
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના ચોરે અને ચૌટે દારૂ મળી રહે છે. દારૂબંધી રોકવા માટે પોલીસ કડકાઈ કરે છે ત્યારે લઠ્ઠા કાંડ જેવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ભાવનગરમાં થયેલા લઠ્ઠા કાંડને પગલે સમગ્ર ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી માટે ગૃહ વિભાગે આદેશો જાહેર કર્યા છે. એવા સમયે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ગામ નારગોલના મહિલા સરપંચ સ્વીટી ભંડારીએ નકલી દારૂથી લોકોને બચાવવા અને પરંપરાગત તાડીની છૂટ આપવા માટે હળવી દારૂબંધી કરવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે.
ભાવનગરમાં થયેલા લઠ્ઠા કાંડને પગલે દારૂબંધીને લઈને વિવિધ તર્ક વિતર્કો અને ચર્ચાઓ શરૂ થઈ છે. જેમાં ગિફ્ટ સિટી અને વિવિધ પર્યટન સ્થળોએ દારૂબંધીની છૂટ આપવામાં આવી છે. જેને પગલે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામના મહિલા સરપંચે દારૂબંધી હળવી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પાંચ કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતા નારગોલ ગામમાં પ્રવાસન સ્થળ ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યું છે. જેમાં વર્ષો પહેલા ભંડારી અને પારસી સમાજ દ્વારા પારંપરિક રીતે ખજૂરીના ઝાડમાંથી રસ કાઢી એમાંથી તાડી બનાવવામાં આવતી હતી એ ઉદ્યોગને ફરીથી વેગ મળે અને પારંપરિક પીણું ગણાતા તાડીને પ્રોત્સાહન મળે એના માટે હળવા પ્રતિબંધો સાથે પ્રાયોગિક ધોરણે દારૂ અને તાડીના વેચાણ માટે છૂટની માંગ કરી છે.
નારગોલ દરિયા કિનારે વસેલું વલસાડનું એક સુંદર પ્રવાસન સ્થળ છે. પરંતુ અહીંની ઓળખ માત્ર દરિયાકિનારા પૂરતી સીમિત નથી. નારગોલ અને આસપાસના વિસ્તારમાં વર્ષોથી તાડીનો પરંપરાગત વ્યવસાય પણ અનેક પરિવારોની આજીવિકાનું સાધન રહ્યો છે. ભંડારી અને પારસી સમાજના પરિવારો ગામની વાડીઓ અને ખેતરોમાં આવેલા ખજૂરીના વૃક્ષોમાંથી તાડી મેળવી મુંબઈ સહિતના મોટા શહેરોમાં તેનું વેચાણ કરતા હતા. પરંતુ દારૂબંધીનો કાયદો અમલમાં આવ્યા બાદ આ પરંપરાગત વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.વર્ષો વીતી ગયા છતાં આ પરિવારોને કોઈ વિશેષ આર્થિક રાહત પેકેજ કે વૈકલ્પિક રોજગારીની પૂરતી તક મળી નથી. પરિણામે તાડીના વ્યવસાય સાથે જોડાયેલા અનેક પરિવારો આજે પણ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. હવે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પણ નિયંત્રિત રીતે દારૂ અને તાડીના વેચાણ અંગે નશાબંધી હળવી કરવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.
મહારાષ્ટÙ, સેલવાસ અને દમણ જેવા દારૂની છૂટ ધરાવતા પ્રદેશો સાથે સરહદી વિસ્તાર ધરાવતા નારગોલ ગામ પર્યટન સ્થળ ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યું છે. દારૂબંધી હળવી કરવા માટે સરપંચ દ્વારા લખેલા પત્રમાં વિવિધ તર્કો પણ રજૂ કરવામાં આવ્યા છે. સરપંચના તર્ક મુજબ, સ્થાનિક કક્ષાએ નકલી દારૂથી લોકોને છૂટ મળી શકે, રાજ્ય સરકારને મહેસૂલ તરીકે સારું રેવન્યુ મળી શકે, દારૂની દાણચોરીના કિસ્સાઓમાં ઘટાડો થઈ શકે, પ્રવાસન ઉદ્યોગને વેગ મળી શકે, રિસોર્ટ અને રેસ્ટોરેન્ટમાં રોજગારી મળી શકે જેનાથી સ્થાનિક કક્ષાએ બેરોજગારી ઘટી શકે અને નારગોલ વિસ્તારના ભંડારી સમાજનું પારંપરિક તાડી ઉદ્યોગ હળવા પ્રતિબંધોથી રોજગારીનું સાધન બની શકે.
આ બાબતે સ્થાનિકોનું માનવું છે કે જા નિયત સ્થળ અને નિયત પરવાનગી હેઠળ કુદરતી પીણું ગણાતી તાડીને વેચાણની મંજૂરી મળે તો એક તરફ ગેરકાયદેસર રીતે બનતા નકલી અને હલકી ગુણવત્તાવાળા દારૂ પર અંકુશ આવી શકે, અને લઠ્ઠા કાંડ જેવી ઘટનાઓ પર લગામ લાવી શકાય, તો બીજી તરફ સરકારને મહેસૂલી આવક પણ મળી શકે. સાથે જ હોટલ, રિસોર્ટ અને પ્રવાસન ક્ષેત્રમાં સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ શકે. પ્રવાસન ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા નારગોલ બીચ પર વરસે દહાડે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તો હવે તાજેતરમાં જ આ બીચને બ્લુ ફ્લેગ બીચ તરીકે વિકાસ થવા જઈ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આવી શકે છે. ત્યારે હવે જા આ નારગોલ ગામમાં નશાબંધી હળવી કરવામાં આવે તો ચોક્કસથી પ્રવાસનને ફાયદો થાય તેવું સ્થાનિકો પણ માની રહ્યા છે.રાજ્યમાં દારૂબંધીના કારણે એક વાત તો સ્પષ્ટ છે કે બુટલેગરો અઢળક કમાય છે અને પીવા વાળા અનેક ઘણા ભાવ ચૂકવીને વિદેશી દારૂ પીવે છે તો ક્્યારેક નકલી અને દેશી દારૂના કારણે લઠ્ઠા કાંડમાં અનેક લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે ત્યારે રાજ્યમાં દારૂબંધીને લઈને હળવા સ્વરે એક અવાજ ચોક્કસથી ઊઠી રહ્યો છે. નારગોલની વિશિષ્ટ ભૌગોલિક અને પ્રવાસન Âસ્થતિને ધ્યાનમાં રાખીને આ મુદ્દે સરકાર શું નિર્ણય લે છે તેના પર હવે સૌની નજર છે. સ્થાનિકોની માંગ છે કે તાડી જેવા પરંપરાગત વ્યવસાયને નિયંત્રિત પરવાનગી હેઠળ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી ભંડારી સહિત સંબંધિત સમાજના પરિવારોને ફરી રોજગારી મળી શકે. હવે જાવાનું એ રહેશે કે દારૂબંધીના રાજ્ય ગુજરાતમાં નારગોલની આ અનોખી માંગને સરકાર કેટલી ગંભીરતાથી લે છે… અને શું નારગોલમાં દારૂબંધી હળવી કરવા સાથે પરંપરાગત તાડી વ્યવસાયને ફરી જીવંત કરવાની દિશામાં કોઈ નિર્ણય લેવાય છે કે કેમ તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે..?