ઉત્તર પ્રદેશમાં દાઉદ ઇબ્રાહિમના ગુરુ સુભાષ સિંહ ઠાકુરની ધરપકડ

મીરા-ભાયંદર પોલીસે દાઉદ ઇબ્રાહિમ ગેંગ સાથે સંકળાયેલા કુખ્યાત ગેંગસ્ટર સુભાષ સિંહ ઠાકુરની ધરપકડ કરી છે. બિલ્ડર સમય ચૌહાણની હત્યાના સંદર્ભમાં સુભાષ સિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર સમય ચૌહાણની ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ મુંબઈને અડીને આવેલા વિરારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શરૂઆતથી જ આ સનસનાટીભર્યા ઘટનામાં મુખ્ય કાવતરાખોર તરીકે ગેંગસ્ટર સુભાષ સિંહ ઠાકુરનું નામ ઉભરી આવ્યું હતું.

વિરારમાં રહેતા ચાલ બિલ્ડર સમય ચૌહાણની ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ વિરારના મનવેલપાડા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મકોકા એક્ટ હેઠળ તેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે, આ હત્યાના સંદર્ભમાં, મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશની ફતેહગઢ સેન્ટ્રલ જેલમાંથી કુખ્યાત ગેંગસ્ટર સુભાષ સિંહ ઠાકુરની ધરપકડ કરી છે. તેને વસઈ લાવવામાં આવશે.

સુભાષ સિંહ ઠાકુર જેજે હત્યા કેસમાં ઉત્તર પ્રદેશની ફતેહગઢ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. જોકે, ૨૦૧૯ થી, તેને સારવાર માટે બનારસ હિન્દુ યુનિવસટીની સર સુંદરલાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેના કારણે આ કેસમાં તેની ધરપકડ અટકી ગઈ હતી. ૨૦૨૪ માં સુભાષ સિંહ ઠાકુરને પાછા જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તેમને વસઈ લાવવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. સોમવારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી અને જેલમાંથી સુભાષ સિંહ ઠાકુરની કસ્ટડી લીધી હતી. મંગળવારે તેમને મુંબઈ લાવવામાં આવશે, એમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) સંદીપ ડોઈફોડેએ જણાવ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે વસઈ-વિરાર શહેરમાં સક્રિય ગુનેગારોને સુભાષ સિંહ ઠાકુરનું રક્ષણ મળ્યું હતું. હકીક્તમાં, તેમની સૂચના પર ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. સમય ચૌહાણ હત્યા કેસમાં સુભાષ સિંહ ઠાકુરની ધરપકડ સાથે પોલીસ અધિકારીઓએ અનેક ગંભીર ગુનાઓનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

દાઉદ ઇબ્રાહિમની બહેનના પતિ સુભાષ સિંહ ઠાકુરની હત્યા પછી, દાઉદના કહેવાથી, તે હત્યામાં સામેલ આરોપીની હત્યા કરાવી હતી. આ કારણોસર, સુભાષ સિંહ ઠાકુરને દાઉદનો વિશ્ર્વાસુ અને નજીકનો સાથી માનવામાં આવતો હતો.