
જિલ્લામાં હાલ એસઆઇઆરની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા પહેલા ધરણા યોજવામાં આવ્યા હતા, ત્યારબાદ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં એસઆઇઆરની કામગીરી બાબતે મતદાર યાદીમાંથી નામો કમી કરવા માટે ફોર્મ ૭નો ગેરઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે આ મુદ્દે મતદાર યાદીમાંથી મતદાતાઓના નામો કમી કરવા માટેની ખોટી અરજીઓ કરનાર તત્વો વિરુદ્ધમાં પગલાંઓ ભરવામાં આવે અને તેની તપાસ કરી અને તેના ઉપર એફઆઇઆર દાખલ કરી અને જેલના સળિયા પાછળ ધકેલવા માટેની કોંગ્રેસની માંગ હતી. પરંતુ તે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવ કાર્યક્રમો જિલ્લાભરમાં કરવામાં આવી રહ્યા છે.
સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા જિલ્લાના તમામ હાઇવે, રોડ રસ્તાઓ બ્લોક કરવામાં આવી રહ્યા છે. દસાડા-બહુચરાજી હાઇવે ઉપર કોંગ્રેસના નેતાઓ દ્વારા ટાયર સળગાવીને હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો છે. કલાકો સુધી હાઇવે બ્લોક રહેતા કોંગ્રેસના નેતાઓની પોલીસ વિભાગ દ્વારા અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. કચ્છથી અમદાવાદ તરફ જતો હાઇવે ઉપર પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. લાકડાઓ સળગાવી અને હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો છે, તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે.
કૉંગ્રેસ જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે “ચૂંટણી પંચ ભાજપના કાર્યકર્તા તરીકેનું કામ કરી રહ્યું છે. ફક્ત સુરેન્દ્રનગર જિલ્લામાં જ ૨૫ હજાર જેટલા મતદાતાઓના નામો કમી કરવા માટેની ખોટી અરજીઓ કરવામાં આવી છે અને ફોર્મ નંબર ૭નો પણ ગેરઉપયોગ કરવામાં આવ્યો છે, તે છતાં પણ તંત્ર કોઈ ગુનો દાખલ કરી રહ્યું નથી. આ પ્રકારનું કૃત્ય કરનાર તત્વો વિરોધમાં પગલાં ભરવા આવે અને જો આગામી દિવસોમાં આ માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર દેખાવો કરવામાં આવશે.” –
વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તાર તેમજ વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં પણ કોંગ્રેસના નેતાઓએ રસ્તા ઉપર બેસી જઈ અને રોડ રસ્તા લોક કરી નાખ્યા હતા. કલાકો સુધી વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાવું પડ્યું હતું. બીજી તરફ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ઉપર પણ કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા પાણસીણા નજીક ચક્કાજામ કરવામાં આવ્યું છે.
જેને લઈને આ હાઇવે પણ પ્રભાવિત બન્યો છે. આ સમગ્ર ઘટના મુદ્દે પોલીસ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ૨૦૦થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત કરી અને નજરકેદ કરી લેવામાં આવ્યા છે અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.