સમગ્ર શહેરને હચમચાવી દેનારા ચોકબજાર વિસ્તારના ચાર વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કેસના આરોપી અંકિત ગૌતમને કોર્ટ દ્વારા અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ આરોપી પર રૂ.૬૦ હજારનો દંડ પણ લાદવામાં આવ્યો છે. ઉપરાંત પીડિત બાળકીને રૂ.૧૦ લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ કેસે સમગ્ર સુરત શહેરમાં ભારે રોષ અને અરેરાટી ફેલાવી હતી.
ઘટનામાં ચાર વર્ષની નિર્દોષ બાળકીનું ચોકલેટની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી બાળકીને પંડોળ વિસ્તારેથી લલચાવીને પોતાના કબ્જામાં લઈ ગયો હતો. ત્યારબાદ બાળકી વેડરોડ વિસ્તાર પાસે ગંભીર અને લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોળી નાંખ્યું હતું અને લોકોમાં આરોપી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ચોકબજાર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ માટે આ કેસને ઝડપી ઉકેલવો મોટો પડકાર હતો. તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં આરોપી અંકિત ગૌતમ બાળકીને પોતાની સાથે લઈ જતો સ્પષ્ટપણે કેદ થયો હતો. આ મહત્વપૂર્ણ પુરાવાના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.તપાસ દરમિયાન આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફેસ એનાલિસિસ અને ગેટ એનાલિસિસ ટેસ્ટ દ્વારા આરોપીની ઓળખ વધુ મજબૂત રીતે સાબિત કરવામાં આવી હતી. ઉપરાંત ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી દ્વારા એકત્ર કરાયેલા વૈજ્ઞાનિક પુરાવાઓએ પણ કેસને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ ગંભીર ગુનાની તપાસમાં પોલીસે અસાધારણ ઝડપ દાખવી હતી. માત્ર ૧૩ દિવસના ટૂંકા ગાળામાં આશરે ૪૦૦ પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. તપાસની ગતિ અને પુરાવાઓની મજબૂતાઈને કારણે કેસની સુનાવણી પણ ઝડપી બની હતી. કોર્ટમાં સરકારી વકીલે આરોપી વિરુદ્ધ મજબૂત દલીલો રજૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ, ફોરેન્સીક પુરાવા, વૈજ્ઞાનિક તપાસના અહેવાલો અને અન્ય સાક્ષીઓના આધારે આરોપીનો ગુનો નિઃસંદેહ સાબિત થયો હતો. તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને કડકમાં કડક સજા આપવાનો નિર્ણય કર્યો હતો.