
શહેરાના અણીયાદ ગામની ડેરીથી કોલેજ તરફના ડામર રસ્તા પર આવેલા એક ખેતરમાં વીજ વાયર જમીનથી અત્યંત ઓછી ઊંચાઈએ લટકી રહ્યા હોવા સાથે અમુક જગ્યાએ વીજ થાંભલા પણ નમી ગયેલ હતા. ચોમાસાની ઋતુમાં ખેતરમાં કામ કરતા ખેડૂત પરિવાર માથે સતત વીજ કરંટ લાગવાનો અને જાનહાનિ થવાનો ભય તોળાઈ રહ્યો છે.
શહેરા તાલુકાના અણીયાદ ગામ ખાતે વીજ કંપનીની ભારે બેદરકારી જોવા મળી હતી, અણીયાદ ગામની ડેરીથી કોલેજ તરફ જતા ડામર રસ્તાને અડીને આવેલ એક ખેતર માંથી પસાર થતી વીજ લાઇનના વાયરો જમીનથી અત્યંત ઓછી ઊંચાઈ પર લટકી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ખેતરમાં કામ કરતા ખેડૂત પરિવારો માથે સતત વીજ કરંટનો ભય તોળાઈ રહ્યો છે, છતાં મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.ખેતરમાં માત્ર વીજ વાયરો જ નીચા લટકી રહ્યા છે એવું નથી, અમુક જગ્યાએ વીજ થાંભલા પણ નમી ગયેલી હાલતમા જોવા મળી રહ્યા હતા. ચોમાસાની ઋતુ દરમિયાન ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી અને વાતાવરણમાં ભેજ હોવાથી વીજ કરંટ ફેલાવાનો ભય બમણો થઈ જાય છે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં એમ.જી.વી.સી.એલ ના જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતને કોઈજ ગંભીરતાથી લેવામા આવી નથી.દર વર્ષે વીજ કંપની દ્વારા પ્રી-મોન્સૂન મેન્ટેનન્સના નામે મોટા દાવાઓ કરવામાં આવે છે અને વીજ પુરવઠો બંધ રાખીને સમારકામ કરવામાં આવતું હોય છે. પરંતુ અણીયાદ ગામના આ દ્રશ્યો જોતા એમજીવીસીએલની પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ અને રોજીંદી જાળવણીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.