નાળના મુવાડા પ્રાથમિક શાળામાં વર્ષ -૨૦૨૬-૨૭ ની બાળ સંસદની ચૂંટણી ઊટખ મોબાઈલ પદ્ધતિથી શિક્ષક ચિરાગ પંચાલના આયોજન હેઠળ અનોખી રીતે યોજવામાં આવી

નાગરિક તરીકેના હક અને ફરજ પ્રત્યે સભાનતા કેળવે તે હેતુથી અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે જીલ્લા પંચાયત જીલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર સંચાલિત લુણાવાડા તાલુકાના ઝારા ક્લસ્ટરની નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક અને લુણાવાડા તાલુકાના મધવાસ ગામના વતની એવા ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલના શાનદાર આયોજનપણા અને માર્ગદર્શન હેઠળ તારીખ ૩ ઓગષ્ટ ૨૦૨૬ ને સોમવારના રોજ બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી.શાળાના વિદ્યાર્થીઓમાં પોતાના પ્રતિનિધિઓને ચૂંટવા માટે અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અને સક્રિયપણે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.બાળ સંસદની ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને લોકશાહી પ્રણાલી, મતદાનનું મહત્વ અને પોતાના અધિકારો અને ફરજ વિશેનું પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થયું. આ બાળસંસદની ચૂંટણી માટે જાહેરનામું, ટેકેદારો સાથે ફોર્મ ભરવાની, ફોર્મ પાછા ખેંચવાની, ફોર્મ ચકાસણીની તારીખો નક્કી કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી, પ્રિસાઈડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર, એજન્ટોની નિમણૂંક કરવામાં આવી હતી. ઊટખ મોબાઈલ પદ્ધતિથી અઘતન રીતે બાળસંસદની ચૂંટણી યોજાઈ હતી.જેમાં તમામ ઉમેદવાર વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ સેટ કરવામાં આવ્યા હતા. કુલ ૬ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા માછી કેવિનકુમાર ધર્મેન્દ્રભાઈને સૌથી વધુ ૧૨ મત મળ્યા હતા.જેઓ મહામંત્રી તરીકે તથા માછી દેવાંસીબેન મહેન્દ્રભાઈ ઉપમહામંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા તથા અન્ય ઉમેદવાર વિદ્યાર્થીઓને અલગ અલગ વિભાગના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. મંત્રીમંડળના તમામ મંત્રીઓની શપથવિધિ યોજવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાના તમામ વિદ્યાર્થીઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.