J.S.W. MG Motor India Pvt. Ltd. (હાલોલ) દ્વારા ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ માટે સીધી ભરતી કરાશે
PM ઇન્ટર્નશિપ સ્કીમ, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અને માય ભારત એપ અંગે માર્ગદર્શન અપાશે
પંચમહાલ જિલ્લાની મહિલા ઉમેદવારોને રોજગારી અને એપ્રન્ટિશપની શ્રેષ્ઠ તકો પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ અને સરકારી આઈ.ટી.આઈ. ગોધરાના સંયુક્ત ઉપક્રમે વિશેષ ભરતીમેળો તથા આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘અનુબંધમ’ અને ‘એન.સી.એસ.’ (NCS) પોર્ટલના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન તારીખ ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. ગોધરા (પ્રભા રોડ, ગોધરા-દાહોદ હાઈવે રોડ, જિ. પંચમહાલ) ખાતે કરવામાં આવશે.
આ ભરતીમેળામાં ૧૮ થી ૨૮ વર્ષની વયમર્યાદા ધરાવતી અનુભવી તેમજ બિન-અનુભવી મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. શૈક્ષણિક લાયકાતમાં H.S.C. (૧૨ પાસ), I.T.I. તથા સ્નાતક (B.A., B.Com.) ધરાવતી મહિલાઓ માટે ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પ્રખ્યાત કંપની JSW MG Motor India Pvt. Ltd. (હાલોલ એકમ) દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ઉમેદવારોને ‘પી.એમ. ઈન્ટર્નશિપ સ્કીમ’, ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ તેમજ ‘માય ભારત (MY Bharat) એપ’ વિશે વિગતવાર જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે આઉટરીચ સેશન પણ યોજાશે.
જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા પંચમહાલ જિલ્લાની તમામ યોગ્ય લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારોને પોતાના જરૂરી શૈક્ષણિક તથા અન્ય પ્રમાણપત્રો સાથે નિયત સમયે અને સ્થળે ઉપસ્થિત રહી આ રોજગાર અને એપ્રન્ટિશપ તકનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગોધરા ખાતે મહિલા ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને આઉટરીચ કાર્યક્રમ યોજાશે