લાખો રૂપિયા ખંખેરતી આંતરરાજ્ય ‘લૂટેરી દુલ્હન’ ટોળકીનો વધુ એક સનસનાટીભર્યો કિસ્સો શહેરા તાલુકામાંથી પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ
લગ્નના પવિત્ર બંધનના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ‘લૂટેરી દુલ્હન’ ટોળકીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો શહેરા તાલુકામાંથી સામે આવ્યો છે. બોડીદ્રાખુર્દ ગામના એક ૩૫ વર્ષીય યુવકને લગ્ન કરાવી આપવાની લાલચ આપી રાજસ્થાનની લૂટેરી દુલ્હન અને તેના વચેટિયા સાગરીતોએ રૂ. ૨.૫૦ લાખનો ચૂનો ચોપડ્યો હતો. લગ્નના માત્ર એક અઠવાડિયામાં જ નવવધૂ ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સમેટીને પિયર જવાનું બહાનું કાઢી ફરાર થઈ ગઈ હતી. આ મામલે છેતરાયેલા યુવકે આખરે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શહેરા તાલુકાના બોડીદ્રાખુર્દ ગામે રહેતા ૩૫ વર્ષીય યુવક માટે લગ્નનું માગું લઈને રાજસ્થાનના પીઠ સીમલવાડા ગામનો પુજાભાઈ નામનો વચેટિયો આવ્યો હતો. પુજાભાઈએ પોતાની પાસે લગ્ન માટે લાયક છોકરી હોવાનું જણાવી લગ્ન કરાવવાના બદલામાં રૂ. ૨ લાખ રોકડા અને દાગીના આપવાની શરત મૂકી હતી. યુવક અને તેના પરિવારે આ શરત મંજૂર રાખતા લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા.૧૦જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વચેટિયો પુજાભાઈ, દુલ્હન અરૂણા ડામોર અને તેમના અન્ય સાગરીતો સાથે યુવકના ઘરે આવ્યા હતા અને ત્યાં જ લગ્ન વિધિ સંપન્ન કરાવી હતી. લગ્ન સમયે જ નક્કી થયા મુજબ વચેટિયા પુજાભાઈએ રૂ. ૨ લાખ રોકડા લઈ લીધા હતા. આ ઉપરાંત, લગ્ન પ્રસંગે દુલ્હનને ચાંદીના છડા, ચાંદીનું મંગળસૂત્ર, સોનાની ચુની અને ચાંદીની અંગૂઠી મળી કુલ આશરે રૂ. ૫૦ હજારના દાગીના પહેરાવવામાં આવ્યા હતા.
લગ્ન બાદ અરૂણા માત્ર ૬ થી ૭ દિવસ જ પોતાના સાસરીમાં રહી હતી. તે દરમિયાન એક દિવસ તેણે રાજસ્થાનથી ફોન આવ્યો હોવાનું નાટક કર્યું હતું. અરૂણાએ પતિ અને સાસરીયાઓને જણાવ્યું કે, “મારી મમ્મીનો ફોન હતો, મને કાલે રાજસ્થાન બોલાવે છે. હું બે દિવસમાં પરત આવી જઈશ.” સાસરી પક્ષે તેના પર વિશ્વાસ મૂકીને તેને જવા દીધી હતી. પરંતુ અરૂણા ઘરેથી નીકળતી વખતે પોતાના અંગ પર પહેરેલા તમામ સોના-ચાંદીના દાગીના પણ સાથે લઈ ગઈ હતી.
ઘણા દિવસો વીતી જવા છતાં અરૂણા પરત ન ફરતા યુવકે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મળી આવી ન હતી. આથી યુવકે વચેટિયા પુજાભાઈનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. જેથી પોતાનો દાગીના અને રોકડા રૂપિયા ગુમાવનાર યુવકને છેતરાયા હોવાનો પાકો અહેસાસ થયો હતો.ભોગ બનનાર યુવકે આ મામલે પોતાની રીતે વધુ તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, તેની સાથે લગ્ન કરનાર અરૂણા ડામોર કોઈ સાધારણ યુવતી નથી, પરંતુ એક રીઢી ગુનેગાર ‘લૂટેરી દુલ્હન’ છે. અરૂણા આ પૂર્વે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના દેવ ખાતે પણ આ જ પ્રકારે લગ્નના નામે છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી છે અને જેલની હવા ખાઈ ચુકી છે.પોતાની સાથે આયોજનબદ્ધ રીતે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં આખરે ભોગ બનનાર યુવકે શહેરા પોલીસ મથકનો આશરો લીધો હતો. શહેરા પોલીસે યુવકની ફરિયાદના આધારે લૂટેરી દુલ્હન અરૂણા ડામોર, વચેટિયા પુજાભાઈ અને તેમના અન્ય સાગરીતો વિરૂદ્ધ ગુનો નોંધી આ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.