સંજેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા ધણા દિવસોથી નલ સે જલ યોજના ઠપ્પ થઈ જતાં પીવાના પાણી માટે ભારે કટોકટી સર્જાઈ છે. પંચાયત તંત્રની નિષ્કાળજી અને વીજ કંપનીની ઘોર બેદરકારીથી ગામના નાગરિકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.
ચીબોટા નદી કિનારે આવેલા પંચાયતના કુવા તરફ જતી એમજીવીસીએલ ની વીજ લાઈન છેલ્લા ધણા દિવસોથી ખોરવાઈ ગઈ છે. નદી કિનારે આવેલા વીજ પુરવઠાના થાંભલાઓ પણ જમીનદોસ્ત થઈ ગયા છે. જેના કારણે ખેતરોમાંથી પસાર થતાં વીજ વાયરો પાક પર ઝુકી ગયા છે. આ પરિસ્થિતિથી ખેડુતોમાં વીજ કરંટ લાગવાનો ભય ઉભો થયો છે. કોઈ મોટી દુર્ધટના ધટે તે પહેલા વીજ વાયરો ઉંચા કરવા માટે અનેક રજુઆતો કરવા છતાં વીજ કંપની દ્વારા કોઈ જ કામગીરી કરાઈ નથી. વીજ પુરવઠો ઠપ્પ થઈ જતાં કુવાની મોટર પણ ચાલુ થઈ શકતી નથી. અને પાણી ઉપાડી શકાતુ નથી. પરિણામે અમુક વિસ્તારોમાં નલ સે જલ યોજના સંપુર્ણપણે બંધ થઈ ગઈ છે. એક તરફ સરકાર દ્વારા યોજનાના મોટા બણગા ફુંકવામાં આવે છે તો બીજી તરફ સંજેલીમાં આ યોજના માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યુ છે. ગામમાં નળમાં પાણી ન આવતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દરરોજ .૨૦૦ થી ૩૦૦ ચુકવીને વેચાતુ ટેન્કરનુ પાણી લાવવાની ફરજ પડી રહી છે. તંત્રની બેદરકારીથી ત્રસ્ત થયેલા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.