સંજેલી તાલુકા પ્રા.શિક્ષક સંઘની ચુંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી શાંત રહેલુ શિક્ષણ જગત અચાનક ગરમાયુ છે. છેલ્લા કેટલાક વર્ષોથી લવાજ સમિતિ દ્વારા બિનહરીફ વરણીની પરંપરા ચાલતી આવતી હતી. પરંતુ આ વર્ષે ચિત્ર બદલાયુ છે. પ્રમુખ અને મહામંત્રીના બે મહત્વના હોદ્દા માટે લોકશાહી ઢબે ચુંટણી યોજાવવા જઈ રહી છે. જેમાં કુલ ૬ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જયારે જિલ્લા પ્રતિનિધિ તરીકે સુરતાન કટારા અને મનુભાઈ સંગાડાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ચુંટણી જાહેર થતાં જ તાલુકાના શિક્ષક આલમમાં માહોલ જામ્યો છે.
પ્રમુખ પદ માટે દિલીપ રાવત, ભરત ચારેલ, રમેશ સેલોત અને સુરેશ બેદી વચ્ચે ચતુષ્કોણીય જંગ જામશે. જયારે મહામંત્રી પદ માટે શાંતિલાલ ગરાસિયા અને દિનેશ ભુરીયા વચ્ચે સીધો મુકાબલો થશે. તાલુકાના ૪૬૨ શિક્ષક મતદારોને રીઝવવા ઉમેદવારો એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વિવિધ પ્રાથમિક શાળાઓમાં જઈને વ્યક્તિગત સંપર્ક, બેઠકો અને શિક્ષકોના પ્રશ્ર્નો, બદલી, પગાર તથા અન્ય પડતર માંગણીઓ અંગે પોતાનો એજન્ડા રજુ કરી રહ્યા છે. ચુંટણી અધ્યક્ષ રામુભાઈ ચારેલના જણાવ્યા અનુસાર શનિવારે તાલુકા પ્રાથમિક શાળા ખાતે બપોરે ૧૨ થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાન પુર્ણ થયા બાદ તુરંત જ સ્થળ પર જ પારદર્શન રીતે મત ગણતરી હાથ ધરીને સાંજે જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે.