બલૈયાના ડામોર ફળિયાથી સામુહિક આરોગ્ય કેન્દ્ર સુધીના વિસ્તારમાં પાણી પુરવઠાની સમસ્યા સર્જાતા સ્થાનિક લોકોને લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાનગી કંપનીઓ દ્વારા પાણી પુરવઠાની પાઈપલાઈન તોડી નાંખવામાં આવતા પાણી પહોંચાડવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આ અંગે વારંવાર રજુઆતો કરવા છતાં સંબંધિત કંપનીઓ દ્વારા જરી કામગીરી કરવામાં ન આવતા અંતે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક પગલા લેવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બલૈયા ડામોર ફળિયાથી સામુહિક આરોગ્ય કેન્દ્ર સુધી પાણી પહોંચાડતી પાઈપલાઈનને નુકસાન થવાના કારણે પાણી પુરવઠામાં અડચણ ઉભી થઈ હતી. પાઈપલાઈન તુટી જતાં અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ બન્યુ હતુ. આ સમસ્યાના ઉકેલ માટે વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં કંપનીઓ તરફથી સમારકામની કામગીરી કરવામાં આવી ન હતી. આ પરિસ્થિતિમાં વાસ્મો પંચાયતના તલાટીએ તાત્કાલિક ગ્રામ પંચાયત સમક્ષ રજુઆત કરી હતી. રજુઆતને પગલે પંચાયતના પાણી પુરવઠા વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને અસરગ્રસ્ત વિસ્તારમાં પાઈપલાઈન નાંખીને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. લાંબા સમયથી પાણી પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને પાણી પહોંચતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.