
દશામાં માતાજીના વિસર્જન પૂર્વે તળાવની સફાઈ, ગંદકી અને માછીમારી સામે કાર્યવાહી સહિત જરૂરી વ્યવસ્થા કરવાની માંગ.
પવિત્ર દશામાં વ્રત ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં દશામાં માતાજીની મૂર્તિનું વિસર્જન ઝાલોદ નગરના રામસાગર તળાવ ખાતે થનાર છે. ત્યારે રામસાગર તળાવની સ્વચ્છતા, પવિત્રતા તથા ધાર્મિક આસ્થાનું જતન થાય તે માટે ઝાલોદ નગર હિન્દુ સમાજ દ્વારા આજરોજ ઝાલોદ નગરપાલિકા ખાતે લેખિત રજૂઆત કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
રામસાગર તળાવ ઝાલોદ નગરની આગવી ઓળખ ધરાવતું તેમજ નગરજનોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું પવિત્ર સ્થળ છે. રામસાગર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ નગરજનો માટે હરવા-ફરવા, પરિવાર સાથે સમય વિતાવવા અને શુદ્ધ હવા માણવાનું મહત્વપૂર્ણ સ્થળ પણ છે. આવા મહત્વપૂર્ણ સ્થળની સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે તે નગરપાલિકાની પણ મહત્વપૂર્ણ જવાબદારી બને છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, તળાવ તથા તેના આસપાસ માછલી પકડવાની પ્રવૃત્તિ, કપડાં ધોવા તેમજ અન્ય રીતે ગંદકી કરવામાં આવતી હોવાના કારણે તળાવની સ્વચ્છતા અને પર્યાવરણ પર અસર થઈ રહી છે. ખાસ કરીને દશામાં માતાજીની મૂર્તિના વિસર્જન દરમિયાન તળાવની સ્વચ્છતા અને ધાર્મિક પવિત્રતા જળવાઈ રહે તે માટે વિશેષ તકેદારી જરી છે.
ઝાલોદ નગર હિન્દુ સમાજ દ્વારા નગરપાલિકા સમક્ષ રામસાગર તળાવની તાત્કાલિક સંપૂર્ણ સફાઈ કરાવવા સાથે તળાવમાં માછલી પકડવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકવા, તળાવના કિનારે કપડાં ધોવા તથા ગંદકી કરતા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત દશામાં માતાજીના વિસર્જન દરમિયાન વિશેષ સ્વચ્છતા, પ્રકાશ અને સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે તથા તળાવની પવિત્રતા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરી સ્થળોએ સૂચના બોર્ડ લગાવી સતત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.
ઝાલોદ નગર હિન્દુ સમાજે જણાવ્યું છે કે, રામસાગર તળાવનો પ્રશ્ન માત્ર ધાર્મિક લાગણી પૂરતો સીમિત નથી, પરંતુ સ્વચ્છતા, જાહેર વ્યવસ્થા, પર્યાવરણ અને નગરની આગવી ઓળખ સાથે જોડાયેલો મહત્વપૂર્ણ વિષય છે. તેથી તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
રામસાગર તળાવ ઝાલોદની ઓળખ છેતેની પવિત્રતા, સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે તે સમગ્ર નગરની સામૂહિક જવાબદારી છે.