જિલ્લામાં કલેકટર જ સરકાર છે, માટે એકબીજા ઉપર કામગીરી ઢોળવાને બદલે કામ કરવાનુ રાખો. કહીને મુખ્યમંત્રીએ પંચમહાલ અને છોટાઉદેપુરના કલેકટરને સી.એમ.ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સખ્ત શબ્દોમાં ખખડાવી બંનેનો ઉઘડો લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ-૧૯૮૭માં રામી સિંચાઈ યોજનામાં જમીન આપ્યા બાદ વિસ્થાપિતોને જંગલમાં રાખવામાં આવ્યા હતા. તેઓને સરકાર તરફથી કોઈ જમીન વળતરમાં અપાઈ નહોતી. છેલ્લા ૨૦ વર્ષથી વિસ્થાપિત પરિવારો પંચમહાલ અને છોટાઉદેપુર કલેકટર કચેરીના ધકકા ખાતા હતા. બંને કલેકટરો, આ મારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતુ, કહીને વિસ્થાપિતોને ધકકા ખવડાવી રહ્યા હતા. વિસ્થાપિતો દ્વારા સી.એમ.ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરાઈ હતી. જે મુદ્દો ચર્ચામાં આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પંચમહાલ કલેકટર અજય દહિયા અને છોટાઉદેપુર કલેકટર ગાર્ગી જૈનનો ઉઘડો લેતા બંનેને, તમે અરજદારોને ગણતા જ નથી, અરજીઓ તો જાણે કે આવે છે, એમ કરીને મુકી દો છો, જે બાદ બંને કલેકટરોએ આ મુદ્દે સરકારમાંથી માર્ગદર્શન માંગ્યુ હોવાનો જવાબ આપતા જ સી.એમ.ગુસ્સે થયા હતા. તેમજ સરકાર એટલે કોણ…?સામાન્ય નાગરિકો માટે તો તમે જ સરકાર છો. તેમ કહી ઝાટકયા હતા. આ મામલે સચિવનો ખુલાસો પુછતા તેમણે ૩૦ દિવસની મુદ્દત માંગતા મામલો શાંત પડ્યો હતો. મુખ્યમંત્રીએ તમામ જિલ્લાના કલેકટરોને કડક શબ્દોમાં જણાવ્યુ હતુ કે, સરકાર એટલે ગાંધીનગરમાં છે તે સિવાય જિલ્લામાં કલેકટરો જ સરકાર છે. એટલે એકબીજા ઉપર કામગીરી ઢોળવાને બદલે કામ કરો…તેમ જણાવ્યુ હતુ.