જાફરપુરા પાસે ઝાડીમાં લાલ થેલીમાં મળ્યું નવજાતનું મૃતદેહ, માતૃત્વ પર પ્રશ્નચિહ્ન

-જન્મ છુપાવવાના ઇરાદે અજાણી મહિલાએ નવજાતને ત્યજી દીધાની શંકા; ઝાલોદ પોલીસે હાથ ધરી તપાસ.

ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે માનવતાને ઝંઝોળી નાખે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના હોળી ફળિયામાં રહેતા રમેશભાઈ પિથાભાઈ ડામોરના ખેતર નજીક ઝાડી-ઝાંખરાવાળા ખાડામાં લાલ રંગની પ્લાસ્ટિક થેલીમાંથી તાજુ જન્મેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, રમેશભાઈ બપોરના આશરે બે વાગ્યાના સમયે પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા. ત્યારે ગામના કેટલાક બાળકો ઢોર ચરાવતા દરમિયાન ખેતર નજીકના ખાડામાં શંકાસ્પદ લાલ થેલી દેખાતા રમેશભાઈને જાણ કરી હતી. ત્યારબાદ રમેશભાઈ સ્થળ પર પહોંચી તપાસ કરતાં થેલીમાં નવજાત શિશુનો મૃતદેહ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતાં ગામના સરપંચ પ્રકાશભાઈ લાલસીંગભાઈ ડામોર સહિત પરિવારજનો અને ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. થેલી ખોલતા અંદર તાજુ જન્મેલું મૃત હાલતમાં બાળક જોવા મળ્યું હતું, જેને જોઈ સૌ કોઈ હચમચી ઉઠ્યા હતા.

પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોઈ અજાણી મહિલાએ સમાજથી જન્મની હકીકત છુપાવવા અથવા અન્ય કારણસર નવજાતને જન્મ બાદ ઝાડીમાં ત્યજી દીધું હોઈ શકે. આ કૃત્યે માતૃત્વની મમતા અને માનવતાને જ સવાલો હેઠળ મૂકી દીધી છે.

બનાવની જાણ થતાં ઝાલોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ ઝાલોદ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. હાલ પોલીસે અજાણી મહિલાની શોધખોળ સાથે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શ‚ કરી છે. આ ઘટનાએ જાફરપુરા સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.