રાજકુમાર જાટ મૃત્યુ કેસ: ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ, ૧૫ ડિસેમ્બરે હાઇકોર્ટમાં રિપોર્ટ સબમીટ કરાશે

ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે ચાલી રહેલી તપાસના ભાગરૂપે ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગર ખાતે પૂર્ણ કરવામાં આવ્યો છે. ગણેશ ગોંડલને ફોરેન્સિક નિષ્ણાંતો દ્વારા ૧૦૦થી વધારે પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ તૈયાર થતા આગામી ૧૫ ડિસેમ્બરના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સબમીટ કરવામાં આવશે.

ગોંડલમાં રહેતા રાજકુમાર જાટને ૯ માર્ચના રોજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલે માર મારવાના ગંભીર આરોપ બાદ રહસ્યમય રીતે તેનો મૃતદેહ રાજકોટ-અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક એક ઓવરબ્રિજ ઉપરથી મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને રાજકુમાર જાટના પિતાએ ગણેશ ગોંડલ અને તેના પિતા જયરાજ સિંહ જાડેજા વિરૂદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા.

આ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શનમાં એક સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ તૈયાર કરવામાં આવી હતી જે અનુસંધાનમા અનેક સાક્ષીઓના નિવેદન, સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. મૃતકના પિતાના સતત આક્ષેપને પગલે કેસની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આ કેસની મંજૂરી મળતા જ ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ખાતે ૯મી ડિસેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધીના સમયગાળામાં નાર્કો ટેસ્ટ કામગીરી પૂર્ણ કરવાની હતી. જે અનુસંધાનમાં ગુરૂવારે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.હાઇકોર્ટની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, ’ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને ગણેશ જાડેજા તથા ૭-૧૦ માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા. જોકે, બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યારબાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરુ કરી હતી.’