રાજકોટ એરપોર્ટ પર આગથી અફરાતફરી, ફટાકડાના તણખાથી ફ્લાઇટ ડાયવર્ટ

રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગ લાગવાની ઘટનાને પગલે દિલ્હીથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટનું લેન્ડિંગ અટકાવવું પડ્યું હતું. રનવે નજીક આગ લાગતાં ધુમાડો ફેલાયો અને વિઝિબિલિટી પર અસર થતાં ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે ૧૦૦થી વધુ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જાકે, ફ્લાઇટનું વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થતાં મુસાફરોએ રાહત અનુભવી હતી.

મળતી માહિતી પ્રમાણે, એરપોર્ટ પર વિમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પક્ષીઓને દૂર રાખવા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન ફટાકડાના તણખા નજીકના સૂકા ઘાસ પર પડતાં આગ લાગી હતી. આગના કારણે રનવેની આસપાસ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. પરિણામે વિમાનના સુરક્ષિત ઉતરાણ માટે જરૂરી દૃશ્યતા જાળવવામાં મુશ્કેલી ઊભી થઈ હતી.

દિલ્હીથી આવતી ફ્લાઇટ સવારે નિર્ધારિત સમય મુજબ લગભગ ૧૦ઃ૨૫ વાગ્યે રાજકોટ એરપોર્ટ નજીક પહોંચી હતી. પરંતુ આગ અને ઓછી વિઝિબિલિટીને કારણે તેને લેન્ડિંગ કલિયરન્સ મળ્યું નહોતું. પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલની સૂચના પ્રમાણે આકાશમાં ચાર ચક્કર લગાવ્યાં હતાં. બીજી તરફ, એરપોર્ટની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવા તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી.

આગ બુઝાવવાની કામગીરી છતાં વિઝિબિલિટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાં સુરક્ષિત ઉતરાણ કર્યા બાદ ફ્લાઇટ બપોરે ૧૨ઃ૨૦ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી. ત્યારબાદ રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટ બપોરે ૧ઃ૧૧ વાગ્યે રવાના થઈ હતી.

આ ઘટનાએ એરપોર્ટ પર પક્ષીઓને નિયંત્રિત કરવા માટે અપનાવવામાં આવતી પદ્ધતિઓ અને આગ સામેની સાવચેતી અંગે ચર્ચા ઊભી કરી છે. વિમાનના સંચાલન દરમિયાન રનવેની આસપાસ આગ કે ધુમાડો ફેલાય તો તેની સીધી અસર લેન્ડિંગ પર પડી શકે છે. આવી ઘટના ફરી ન બને તે માટે આગ લાગવાના ચોક્કસ કારણો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવી જરૂરી છે.