
ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અહેવાલ મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના મોટા શહેરો અમદાવાદ અને સુરતના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હતો.
દેશભરમાં પણ હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ૫૦ કલાક માટે ચિંતાજનક આગાહી જાહેર કરી છે. ઉત્તર ભારતથી લઈને પૂર્વ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વીજળી પડવાની શક્યતા, કરાવર્ષા અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ ૮૦થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબી સમુદ્રમાંથી મળતો ભેજ અને વિવિધ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જૂનની શરૂઆતથી જ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ૪ જૂનની આસપાસનો સમયગાળો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ઉત્તર ભારતના મેદાની અને પર્વતીય વિસ્તારોમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે, જ્યારે કેરળ અને તમિલનાડુમાં ચોમાસાની શરૂઆત સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કચ્છમાં પણ તાપમાન સામાન્ય કરતાં નીચું રહ્યું છે. જોકે સુરેન્દ્રનગરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો, જ્યાં રાજ્યનું સૌથી વધુ ૪૧ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં નૈઋત્યનું ચોમાસું વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. ચોમાસું અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, કેરળ અને તમિલનાડુના બાકીના વિસ્તારો તરફ ઝડપથી આગળ વધી શકે છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, સેન્ટ્રલ પાકિસ્તાન અને રાજસ્થાન ઉપર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન પણ હવામાનને અસર કરી રહ્યું છે. ૩ જૂનથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્્યતા હોવાથી ગુજરાતમાં પણ પવન સાથે વરસાદી માહોલ યથાવત રહી શકે છે.
આઇએમડીના મુજબ ૪ જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની શક્્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
૫ જૂનથી ચોમાસું આગળ વધવા માટે વધુ અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે અને માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ઝાપટાં પડી શકે છે.