રાજસ્થાનથી ૪૮ લાખનું હેરોઇન લાવેલો પેડલર વડોદરા રેલવે સ્ટેશન ઝડપાયો

ગુજરાતમાં ડ્રગ્સ, હેરોઇન અને હાઇબ્રિડ ગાંજાનું ચલણ સતત વધી રહ્યું છે ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ રાજસ્થાનથી ૪૮ લાખનું હેરોઇન લઈને વડોદરા આવી રહેલા પેડલરને વડોદરા રેલવે સ્ટેશનેથી ઝડપી લીધો હતો. પેડલર અમરિકસિંઘ પ્લેટફોર્મ પરથી કૂદીને ખાડામાં પડતાં પગ ભાંગ્યો હતો. પોલીસે તેની પાસેથી ગાંજો કબજે લઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

ગાંજો, હેરોઇન, ચરસ અને ડ્રગ્સના પેડલરોની સ્થાનિક પોલીસને માહિતી મળતી નથી ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલના નિલપ્ત રાય અને મયુર ચાવડાની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનથી આવી રહેલી એક ટ્રેનમાં પેડલર ૪૮ લાખનું હેરોઇન લઈને આવી રહ્યો છે. તરત જ ઇન્સ્પેક્ટર વનાર અને કરમટા ટીમ સાથે વડોદરા રેલવે સ્ટેશને ગોઠવાઈ ગયા હતા. મયરાત્રે ટ્રેન આવી અને તેમાંથી પેડલર હેરોઇન લઈને ઉતર્યો. પોલીસે તેને રોકવા માટે ઈશારો કર્યો પરંતુ તેને ખબર પડી જતા તે ભાગ્યો હતો. પ્લેટફોર્મ કૂદીને ભાગવા જતાં તે ખાડામાં પડ્યો હતો અને પગ ભાંગ્યો હતો.

પોલીસે તેને ઝડપી લઈ તેની પૂછપરછ કરતાં તેનું નામ અમરિકસિંઘ ઉર્ફે સોનું સર્વાંગસિંઘ માલહી (રહે. ગુરુનાનક નગર, વડોદરા) હોવાનું જાણી શકાયું હતું. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે વડોદરામાં છૂટક હેરોઇનનો વેપાર કરે છે અને તે ભટીંડા, પંજાબમાં રહેતા ડ્રગ્સ-હેરોઇન સપ્લાયર નિશાંતસિંઘ પાસેથી હેરોઇન લાવતો હતો. તે હેરોઇનની ડિલિવરી લેવા માટે જ રાજસ્થાન ગયો હતો, જ્યાંથી તે હેરોઇન લઈને આવતો હતો ત્યારે જ ઝડપાઈ ગયો છે.

પોલીસે હવે તેના મોબાઇલ ફોનમાંથી તેના ગ્રાહકોની વિગતો મેળવી છે, જેના આધારે તપાસ ચાલી રહી છે. બીજી તરફ નિશાંતસિંઘને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી લેવા માટે પણ કવાયત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે અઠવાડિયા પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે મસડીઝમાં હાઇબ્રિડ ગાંજો વેચવા જતા અચત અગ્રવાલ અને તેના સાથીદાર ચિન્મય સોનીને પણ ઝડપી લીધા છે.