રેતી માફિયાની દાદાગીરી; યુવકનો ધારીયા વડે કાપ્યો હાથ, જાનથી મારવાની ધમકી

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભડથ ગામમાં ગેરકાયદેસર રેતી ખોદકામ અને તેને ભરવાના કામને ટોક્તા એક યુવક પર ધારીયા અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને જમણા હાથની હથેળી અને અંગુઠામાં ગંભીર ઇજા પહોંચી હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો અનુસાર, ભડથ ગામના હતુભા સોમસિંહ વાઘેલા (ઉંમર ૧૯) ગત તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રાત્રે તેમના પિતરાઈ ભાઈ સાથે મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા. રાણપુર ઉગમણાવાસ પાસે નદી વિસ્તારમાં આવેલા તેમના ખેતરમાં મશીન અને ડમ્પર દ્વારા માટી ભરવાનું કામ ચાલતું જોઈ તેમણે પૂછ્યું કે આ રેતી કોની પરવાનગીથી ભરો છો? આ પ્રશ્ર્ન પૂછતાં જ મશીન ચલાવતા વ્યક્તિએ ફોન કરીને ગામના જ ગણપતસિંહ જવાનસિંહ વાઘેલાને બોલાવ્યા હતા.

ગણપતસિંહ તેમની ફોરવ્હીલ ગાડીમાં જગાજી મણાજી વાઘેલા અને પહાડસિંહ ધુંખસિંહ વાઘેલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તકરાર વધતાં ગણપતસિંહે ઉશ્કેરાઈને હતુભા પર ધારીયા વડે હુમલો કર્યો, જેના કારણે હતુભાએ હાથ આડો ધર્યો તો જમણા હાથની હથેળી અને અંગુઠાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અન્ય બે આરોપીઓએ લાકડીઓ વડે હતુભા અને તેમના ભાઈને માર માર્યો હતો. બૂમાબૂમ થતાં પરિવારના અન્ય સભ્યો દોડી આવતા હુમલાખોરોએ હવે પછી લાગે આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને સફેદ ગાડીમાં ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. શરૂઆતમાં ડરને કારણે ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી, પરંતુ પરિવારની હિંમત મળતા હતુભાએ ડીસા પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે તપાસ ચાલુ છે.

આ ઘટનાએ ગેરકાયદેસર રેતી ખનન અને માફિયા પ્રવૃત્તિના મુદ્દાને ફરી એક વખત ઉજાગર કર્યો છે. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને તેઓ પોલીસને આવા માફિયાઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. રેતી માફિયાના કારણે ખેડૂતોના ખેતરોમાં અતિક્રમણ અને હિંસાના બનાવો વધી રહ્યા છે, જેને લઈને તંત્રને ગંભીરતાથી પગલાં લેવાની જરૂર દેખાઈ રહી છે.