
શહેરમાં દિનપ્રતિદિન હત્યાના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે પુત્રના હાથે પિતાની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા સંબંધોનું ખૂન કરનારા પુત્રની પિતાની હત્યા મામલે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે, ખૂનના ગુનામાં મૃતકની પત્નીની સંડોવણી ન ખૂલતા પોલીસ દ્વારા તેને મુક્ત કરવામાં આવી છે.
૨૦ નવેમ્બર ૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસને માહિતી મળી હતી કે, સ્મિતા વ્યાસ તેમજ હર્ષ વ્યાસ નામના માતા અને પુત્ર દ્વારા ઘરના મોભી સમાન ૪૨ વર્ષીય નરેશ વ્યાસની હત્યા કરવામાં આવી છે. જે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ભક્તિનગર પોલીસ દ્વારા બનાવ સંદર્ભે હ્લજીન્ની મદદ પણ લેવામાં આવી હતી. તેમજ બનાવ સંદર્ભે મૃતક નરેશ વ્યાસની બહેન વર્ષા પંડ્યાની ફરિયાદના આધારે નરેશ વ્યાસની પત્ની સ્મિતા તેમજ પુત્ર હર્ષ વિરુદ્ધ હત્યા કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
ફરિયાદી વર્ષા પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમના નાના ભાઈ નરેશ વ્યાસ તેમની પત્ની સ્મિતા અને પુત્રો હર્ષ અને પાર્થ સાથે કોઠારિયા રોડ પર આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, શુક્રવારે રાત્રિના લગભગ ૦૦:૪૫ વાગ્યે મારા દીકરાને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે મારા ભાઈની હત્યા થઈ છે. અમે તરત જ નરેશના ઘરે દોડી ગયા, જ્યાં મેં મારા ભાઈને લોહીના ખાબોચિયામાં પડેલો જોયો. નરેશના બીજા પુત્ર પાર્થે પોતાની ફઈબા અને ફરિયાદી વર્ષા પંડ્યાને જણાવ્યું હતું કે, રાત્રે ૮:૩૦ વાગ્યાની આસપાસ મારા પિતા મારી માતા સાથે ઝઘડી રહ્યા હતા. ત્યારે જ મારા ભાઈ હર્ષે મારા પિતાને છરી મારી દીધી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક નરેશ વ્યાસ મોજા વેચવાનું કામ કરતા હતા અને તેમને દારૂ પીવાની ગંભીર આદત હતી. લાંબા સમયથી તેઓ નશાની હાલતમાં પરિવારના સભ્યો સાથે ઝઘડો કરી મુશ્કેલી ઊભી કરતા હતા. નરેશ વારંવાર દારૂ પીને ઘરે આવતા અને છરી બતાવી પરિવારને ધમકી આપતા હતા. ઘટનાની રાત્રે જ્યારે નરેશ તેમની પત્ની સ્મિતા સાથે ઝઘડી રહ્યા હતા. ત્યારે પુત્ર હર્ષે જે છરી દ્વારા તેના પિતા પરિવારજનોને ધમકાવતા હતા. એ જ છરીનો ઉપયોગ કરીને પિતાને છાતી અને ડાબા હાથ પર જીવલેણ ઘા મારી દેતા તેમનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં જ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી અને પીઆઇ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કેસ સંબંધિત પુરાવા એકઠા કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની પત્ની સ્મિતા વ્યાસની હત્યા મામલે કોઈ ભૂમિકા સામે ન આવતા તેને મુક્ત કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં તેના વિરુદ્ધ દાખલ થયેલ ફરિયાદ મામલે સી સમરી ભરવામાં આવશે. પોલીસ દ્વારા આરોપી હર્ષ વ્યાસના ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ કરવામાં આવતા અગાઉ તે પ્રોહિબિશનના ગુના હેઠળ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.