
રાજકોટમાં સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં દર વર્ષે યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે. કલેક્ટર તંત્ર દ્વારા લોકમેળાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી સપ્ટેમ્બરમાં પાંચ દિવસના લોકમેળાનું આયોજન કરવામાંઆવ્યું છે. બેથી છ સપ્ટેમ્બર એમ પાંચ દિવસ માટે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળા સમિતિ માટે કલેક્ટર અધ્યક્ષ સ્થાને સૌપ્રથમ બેઠક મળી હતી.
વહીવટી વર્તુળોમાંના જણાવ્યા મુજબ મેળો પરંપરાગત રેસકોર્સ મેદાનમાં જ યોજાશે. નવા રેસકોર્સ એટલે અટલ સરોવર ખાતે મેળો લઈ જવો હિતાવહ નથી, કારણ કે ત્યાં પથરાળ જમીન હોવાના કારણે મેળાની રાઈડ-ફજતફાળકાના ધંધાર્થીઓને મુશ્કેલી પડે અને ટ્રાફિક સમસ્યા સર્જાય તેમ છે. રેસકોર્સ મેદાન શહેરની મધ્યમાં હોવાથી તમામ લોકોને અનુકૂળ પડે છે.
સૌરાષ્ટ્રમાં કૃષ્ણજન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. રાજકોટમાં અતિ ભવ્ય અને વિશાળ લોકમેળાનું શ્રાવણ મહિનામાં સાતમ આઠમ પર આયોજન થાય છે. દર વર્ષે લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી લોકો ઉમટી પડે છે. આ આયોજન દર વર્ષે થાય છે. આ બેઠકમાં લોકમેળાના હિસાબ-કિતાબ, સ્ટોલ અને પ્લોટ માટેના ફોર્મ વિતરણની તારીખ સહિતના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. મેળાની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કીગ, પીવાના પાણી અને સ્વચ્છતા અંગેની રૂપરેખા પણ ઘડવામાં આવશે.